નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ 26 ડિસેમ્બરથી શરુ થવા જઇ રહી છે. પહેલી ટેસ્ટ મેચ 26મી ડિસેમ્બરે સેંચુરિયનમાં રમાશે. જ્યારે બીજી મેચ 3 જાન્યુઆરીએ કેપટાઉનમાં થશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની ઘરતી પર હજી સુધી એક પણ ટેસ્ટ મેચ જીતી નથી. આ વખતે ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવાનો પ્રયાસ કરશે.
ટેસ્ટ સીરીઝની શરુઆત પહેલાં ભારતીય ટીમમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમી ઇજા થવાને કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર છે. અને હવે ઋતુરાજ ગાયક્વાડ અને ઇશાન કિશનને પણ ટેસ્ટ સીરીઝમાંથી બહાર નીકળવું પડ્યું છે. ઋતુરાજ ગાયક્વાડને સાઉથ આફ્રિકા સામે બીજી વન ડે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઇજા થઇ હતી. જ્યારે ઇશાન કિશને વ્યક્તિગત કારણોસર પોતાનું નામ પાછું લીધુ છે. ઇશાનની જગ્યાએ કે.એસ. ભરત અને ઋતુરાજ ગાયક્વાડની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરને ટેસ્ટ સ્ક્વોડમાં સ્થાન મળ્યું છે.
પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ-11 પર બધાની જ નજર હશે. આ મેચ માટે યોગ્ય કોમ્બીનેશન શોધવું ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સહેજ મૂશ્કેલ રહેશે. હવે જોવાનું એ છે કે કે એલ રાહુલ અને કે એસ ભરતમાંથી વિકેટ કિપીંગની જવાબદારી કોને મળશે. ઉપરાંત મૂશ્કેલ ટાસ્ક તો મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણામાંથી કોઇ એકને પસંદ કરવાનો હશે. જે શમીની જગ્યા લેશે.
ભારત માટે સેંચુરિયન ટેસ્ટ મેચમાં યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનીંગ કરી શકે છે. જ્યારે શુભમન ગિલ ત્રીજા સ્થાને બેટીંગ કરવા આવી શકે છે. વિરાટ ચોથા ક્રમાંકે અને શ્રેયસ અય્યર પાંચમા ક્રમાંકે રમે તેવી શક્યતાઓ છે. વિકેટ કિપર તરીકે કે એલ રાહુલને પહેલી મેચમાં મોકો મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કે એલ રાહુલે હજી સુધી ટેસ્ટ મેચમાં વિકેટ કિપીંગ કરી નથી.
પહેલી મેચ માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુબમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે એલ રાહુલ (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા\ આર. અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાઝ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.