રશિયન ખેલાડીને બે અભદ્ર વર્તન ભારે પડ્યા, હજારો ડૉલર ગુમાવ્યા

ન્યૂ યૉર્કઃ રશિયાના ભૂતપૂર્વ યુએસ ઓપન (US OPEN) ચૅમ્પિયન ડૅનિલ મેડવેડેવને રવિવારે અમેરિકાની આ જ ગ્રેન્ડ સ્લૅમ ટેનિસ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં પરાજિત થવા ઉપરાંત બે પ્રકારના અભદ્ર વર્તન બદલ 42,500 ડૉલર (અંદાજે 37 લાખ રૂપિયા) ભરવા પડ્યા. દંડની આ રકમ તેને આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં રમવા બદલ જેટલા પૈસા (1,10,000 ડૉલર) મળ્યા એના ત્રીજા ભાગ કરતાં પણ વધુ છે.
મેડવેડેવ (MEDVEDEV) આ મૅચમાં બેન્જામિન બૉન્ઝી નામના હરીફ સામે 3-6, 5-7, 7-5, 6-0, 4-6થી હારી ગયો હતો. ગ્રેન્ડ સ્લૅમમાં મેડવેડેવ પહેલા રાઉન્ડમાં જ હારી ગયો હોય એવું સતત ત્રીજી વખત બન્યું છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન મેડવેડેવ આ પરાજયને પગલે એટીપી રૅન્કિંગના ટોચના 20 ક્રમની બહાર થઈ જવાની તૈયારીમાં છે.
બન્યું એવું કે એક તબક્કે બૉન્ઝી ત્રીજો સેટ જીતવાની તૈયારીમાં હતો ત્યારે અચાનક એક ફોટોગ્રાફર ટેનિસ કોર્ટના એક ખૂણામાંથી અંદર આવી ગયો હતો. તેને ટેનિસ કોર્ટ પર ચાલતો જોઈને અમ્પાયરે તેને બહાર જતા રહેવાનો આદેશ આપ્યો હતો. ક્ષણવાર માટેના આ વિલંબ બાદ અમ્પાયરે બૉન્ઝી (BONZI)ને ફરી ફર્સ્ટ સર્વની છૂટ આપી હતી જેનાથી મેડવેડેવ ગુસ્સે થયો હતો અને અમ્પાયર પાસે જઈને તેણે ફરિયાદ કરી હતી. પ્રેક્ષકોમાંથી એક વર્ગે મેડવેડેવનો હુરિયો બોલાવ્યો હતો. રમત છ મિનિટ માટે અટકી ગઈ હતી જે દરમ્યાન મેડવેડેવ માઇક્રોફોનમાં અમ્પાયર વિશે એવું બોલતો સાંભળવા મળ્યો હતો કે ` મને લાગે છે કે આમને (અમ્પાયરને) ઘરે જવું લાગે છે. તેમને અહીં ગમતું નથી લાગતું. તેમને કલાકના હિસાબે નહીં, મૅચ મુજબ પેમેન્ટ મળતું લાગે છે.’
અમ્પાયરનો આ રીતે માનભંગ કર્યા પછી મેડવેડેવ જ્યારે છેવટે મૅચ હારી ગયો ત્યારે તેણે હરીફ પ્લેયર બૉન્ઝી સાથે હાથ મિલાવ્યા હતા અને પછી પોતાની બૅગમાંથી છ ટેનિસ રૅકેટ કાઢીને પ્રેક્ષકોમાં ફેંક્યા હતા અને મૅચમાં પોતે વાપરેલું સાતમું રૅકેટ તેણે વારંવાર પછાડીને તોડી નાખ્યું હતું. ટેનિસની રમતના સાધનનો આ રીતે અનાદર કર્યા પછી મેડવેડેવે તૂટેલું એ રૅકેટ ફરી પછાડ્યું હતું અને વધુ તોડી નાખ્યું હતું.
મેડવેડેવનું આ ખરાબ વર્તન જોઈને કૉમેન્ટેટર બોલ્યા, ` આ બહુ ખરાબ વર્તન કહેવાય. તેણે આવું ન કરવું જોઈએ. મને લાગે છે કે તેણે તરત ટેનિસ કોર્ટ છોડીને જતા રહેવું જોઈએ.’
આ પણ વાંચો…કોમનવેલ્થ ગેમ્સ (2030)ની યજમાની માટેના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી