દિલ્હી કૅપિટલ્સની રનર-અપ ખેલાડીઓ ફાઇનલ હાર્યા બાદ ડિનર માટે જમીન પર જ ગોઠવાઈ ગઈ
નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સની ખેલાડીઓ રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની ફાઇનલમાં આઠ વિકેટના મોટા માર્જિન સાથે હારી ગઈ ત્યાર બાદ પ્રાઇઝ-મનીના સમારોહ બાદ તરત જ ટીમ-હોટેલ પર જઈને ડિનર માટે ગોઠવાઈ ગઈ હતી. આ રનર-અપ પ્લેયરો એટલી બધી ભૂખી થઈ હતી કે તેઓ જમીન પર જ ગોઠવાઈ ગઈ હતી.
તેમને સોડા અને આઇસ-બૉક્સ સાથે ભોજન માટે કેટલીક વાનગીઓ પીરસવામાં આવી હતી.
દિલ્હીની ટીમ માત્ર 113 રન બનાવી શકી હતી. એમ છતાં આ લો-સ્કોરિંગ મૅચ રસાકસીભરી થઈ હતી અને બૅન્ગલોરની ટીમે 19.3 ઓવરમાં (માત્ર ત્રણ બૉલ બાકી રાખીને) બે વિકેટે 115 રન બનાવીને ડબ્લ્યૂપીએલની બીજી ટ્રોફી પર પોતાનું નામ અંકિત કરાવ્યું હતું. 2023ની પ્રથમ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચૅમ્પિયન બની હતી.
દિલ્હીની મૅરિઝેન કૅપે હોટેલમાં સાથીઓ સાથેનો ફોટો મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ ફોટો વાયરલ થયો હતો. એમાં તેણે લખ્યું હતું, ‘અમે સારી ક્રિકેટર્સ તો છીએ જ, એનાથી પણ સારી મહિલાઓ અમે છીએ એવું મારે કહેવું જ જોઈએ.’
દિલ્હીની ટીમ સતત બીજી સીઝનમાં રનર-અપ રહી છે. 2023માં મુંબઈની ટીમે એને ફાઇનલમાં હરાવી હતી.
દિલ્હીની ટીમમાં શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, તાનિયા ભાટિયા, શિખા પાન્ડે, અરુંધતી રેડ્ડી, મિન્નુ મની, રાધા યાદવ, વગેરે ભારતીય ખેલાડીઓનો સમાવેશ હતો.
દિલ્હીની ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મેગ લેનિંગ આ ટૂર્નામેન્ટમાં 331 રન સાથે બીજા સ્થાને હતી, જ્યારે ત્રીજા સ્થાને શેફાલીના 309 રન હતા.