મહિલા પ્લેયર સાથે અસભ્ય વર્તન…ઑસ્ટ્રેલિયામાં ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર પર 20 વર્ષનો પ્રતિબંધ

સિડની: શ્રીલંકા વતી ત્રણ દાયકા પહેલાં ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલા દુલીપ સમરવીરા નામના ભૂતપૂર્વ ખેલાડીએ ઑસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા સ્ટેટની મહિલા ટીમની એક ખેલાડી સાથે અસભ્ય વર્તન કર્યું એ બદલ સમરવીરા પર ઑસ્ટ્રેલિયામાં 20 વર્ષનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. બાવન વર્ષનો સમરવીરા બે દાયકા સુધી ઑસ્ટ્રેલિયાની ક્રિકેટમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો નહીં મેળવી શકે.
શ્રીલંકા વતી 1993થી 1995 દરમ્યાન સાત ટેસ્ટ અને પાંચ વન-ડે રમનાર રાઇટ-હૅન્ડ બૅટર અને ઑફ-સ્પિનર સમરવીરા બાવન વર્ષનો છે. તે સૌથી પહેલાં 2008માં ક્રિકેટ વિક્ટોરિયા સાથે બૅટિંગ-કોચ તરીકે જોડાયો હતો. તેણે આચાર સંહિતાની કલમ 2.23નો ભંગ કર્યો છે. તેણે જે મહિલા ક્રિકેટર સાથે અસભ્ય વર્તન કર્યું હતું તેણે ઑસ્ટ્રેલિયન ક્રિકેટનો સંપર્ક કરીને બધી વાત કરી એ બદલ બોર્ડે મહિલાની પ્રશંસા કરી છે.
મે મહિનામાં સમરવીરાએ પોતાના કોચિંગ સ્ટાફમાં એક નિયુક્તિની ભલામણ કરી હતી જેને ક્રિકેટ બોર્ડે ફગાવી દેતાં સમરવીરાએ વિક્ટોરિયાની મહિલા ટીમના હેડ-કોચના હોદ્દેથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેના ગેરવર્તન વિશેની ફરિયાદ થતાં તેની વિરુદ્ધ તપાસ કરવામાં આવી અને હવે તેના પર બે દાયકાનો પ્રતિબંધ મુકાયો છે.
સમરવીરા પર બૅન મૂકતી વખતે ક્રિકેટ બોર્ડે એવું જણાવ્યું કે ‘સમરવીરાએ જે કંઈ કર્યું છે એ ક્રિકેટની ભાવનાની વિરુદ્ધ હોવા ઉપરાંત ક્રિકેટની મહાન રમતને લાંછન લગાડનારું છે જે જરાય સાંખી ન લેવાય.’