રોનાલ્ડોએ મેસી કરતાં ઘણી ઓછી મૅચોમાં તેને ઓળંગીને નવો રેકૉર્ડ રચ્યો

યેરેવાન (આર્મેનિયા): પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)એ તેના પ્રતિસ્પર્ધી ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસી (Messi)ને ઓળંગીને આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. ફિફા વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ (qualifying) મૅચોમાં સૌથી વધુ 39 ગોલ ગ્વાટેમાલાના ભૂતપૂર્વ ફૂટબોલર ફૅબિયો રુઇઝના નામે છે, પરંતુ રોનાલ્ડો વર્તમાન ફૂટબૉલનો એવો ખેલાડી બની ગયો છે જેણે ક્વૉલિફાઇંગ મૅચોમાં સૌથી વધુ ગોલ નોંધાવ્યા છે. રોનાલ્ડોના નામે આવી મૅચોમાં હાલમાં 38 ગોલ છે.
ઇન્ટરનૅશનલ ફૂટબૉલમાં કુલ 140 ગોલનો વર્લ્ડ રેકૉર્ડ તો રોનાલ્ડોના નામે છે જ, હવે તે વિશ્વ કપ માટેની ક્વૉલિફાઇંગ મૅચોના વર્તમાન ખેલાડીઓમાં સૌથી વધુ 38 ગોલ કરનારો ખેલાડી પણ બન્યો છે. રવિવારે આર્મેનિયા સામેની ક્વૉલિફાઇંગ મૅચમાં પોર્ટુગલ વતી રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા. આ મૅચ પહેલાં રોનાલ્ડો અને મેસીના નામે ક્વૉલિફાઇંગ મૅચોના એકસરખા 36-36 ગોલ હતા, પરંતુ રોનાલ્ડોએ 37મો ગોલ કરીને મેસીને ઓળંગી લીધો હતો અને હવે તેનાથી બે ડગલાં આગળ છે. રોનાલ્ડોએ 38 ગોલ માત્ર 48 મૅચમાં અને મેસીએ 36 ગોલ 72 મૅચમાં કર્યા છે.
રોનાલ્ડો હવે ક્વૉલિફાઇંગ મૅચોમાં વધુ બે ગોલ કરશે એટલે ગ્વાટેમાલાના રુઇઝનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખશે. મેસીએ ગયા અઠવાડિયે વેનેઝુએલા સામેની મૅચમાં ગોલ કરીને રોનાલ્ડોના 36 ગોલની બરાબરી કરી હતી, પરંતુ હવે રોનાલ્ડોએ તેને પાર કરી લીધો છે.
દરમ્યાન, પોર્ટુગલે રવિવારે આર્મેનિયાને 5-0થી હરાવી દીધું હતું. મેસી 38 વર્ષનો અને રોનાલ્ડો 40 વર્ષનો છે. રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય મૅચો અને પ્રોફેશનલ મૅચો સહિત તમામ મૅચોમાં કુલ વિશ્વ વિક્રમજનક 943 ગોલ કર્યા છે અને તે 1,000 ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બનવા માગે છે.
આ પણ વાંચો…ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી સગાઈ, ગર્લફ્રેન્ડ જોર્જિનાની પોસ્ટ જોઈને ચોંકી ગયા ફેન્સ