ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો 917મો ગોલ, લક્ષ્યાંક 1000
પોર્ટુગલનો સુપરસ્ટાર સતત 24 કૅલેન્ડર યરમાં ગોલ કરનાર વિશ્વનો પહેલો ફૂટબોલર બન્યો
રિયાધઃ પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અઢી દાયકાની કરીઅરમાં કુલ 917 ગોલ કરી ચૂક્યો છે અને 1,000 ગોલ કરનાર વિશ્વનો સૌપ્રથમ ફૂટબૉલ ખેલાડી બનવાનો તેનો લક્ષ્યાંક છે.
39 વર્ષનો રોનાલ્ડો આવતા મહિને 40 વર્ષનો થશે અને આ ઉંમરે પણ તે એક પછી એક મૅચમાં ગોલ કરતો જાય છે અને તેની ક્ષમતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેણે સતત 24 કૅલેન્ડર યરમાં ગોલ કર્યા છે. 2002 તેની ફૂટબૉલ કારકિર્દીનું પહેલું વર્ષ હતું. ત્યારથી માંડીને 2025ના નવા વર્ષ સુધીમાં તેણે એકધારા 24 વર્ષમાં એક કે વધુ ગોલ કર્યા છે. ગુરુવારે તેણે સાઉદી અરેબિયાની અલ નાસર ટીમ વતી અલ-અખદોઉદ ક્લબની ટીમ સામેની મૅચમાં ગોલ કરીને તેમ જ અન્ય ગોલમાં સહાયક બનીને અલ નાસરને વિજય અપાવ્યો હતો. તેણે મૅચની 42મી મિનિટમાં પેનલ્ટી કિકમાં ગોલ કર્યો હતો જે તેની કરીઅરનો 917મો ગોલ હતો.
આ પણ વાંચો: રોનાલ્ડોએ રચ્યો નવો ઇતિહાસ, વિશ્વનો એવો પહેલો ‘અબજપતિ’ બન્યો જેણે…
એકધારા 24 કે વધુ વર્ષમાં ગોલ કરવાની અનેરી સિદ્ધિ બીજા કોઈ જ ફૂટબોલરે હાંસલ નથી કરી.
ફૂટબૉલના ઇતિહાસના શ્રેષ્ઠ ફૉર્વર્ડ ખેલાડીઓમાંથી એક રોનાલ્ડોએ 2023ના વર્ષમાં 54 ગોલ કર્યા હતા જે વિક્રમ હતો. 2024નું વર્ષ તેણે 43 ગોલ સાથે પૂરું કર્યું હતું.
રોનાલ્ડોની આગામી મૅચ 17મી જાન્યુઆરીએ સાઉદી પ્રો લીગમાં અલ-તાવૉન સામે રમાશે.
રોનાલ્ડોએ અલ નાસર ક્લબ સાથે બે વર્ષનો કરાર કર્યો છે જે આ વર્ષે પૂરો થશે. ગઈ સીઝનમાં તે સાઉદી ફૂટબૉલમાં હાઈએસ્ટ ગોલ-સ્કોરર બન્યો હતો.