
અજય મોતીવાલા
મુંબઈ: વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની પોતાની પહેલી જ હોમ મૅચમાં બેટિંગમાં કંગાળ પર્ફોર્મ કર્યું હતું. બહુ ગાજેલો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ઓવરમાં તેના પહેલા જ બૉલમાં આઉટ થયો હતો.
રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ શરૂઆત કર્યા પછી ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૫ રન બનાવ્યા હતા. જે મેદાન પર રનનો છગ્ગા-ચોકકાનો વરસાદ થવાની હજારો એમઆઈ તરફી પ્રેક્ષકોને આશા હતી એ ઠગારી નીવડી હતી.
પ્રથમ ઓવરથી જ વિકેટ પડવાની શરૂ થઈ હતી અને પહેલા ૨૦ રનમાં ચાર વિકેટ પડી હતી. પહેલાં ચારમાંથી ત્રણ બૅટર શૂન્યમાં આઉટ થયા હતા. એમાં રોહિત, નમન ધીર, બ્રેવિસ સામેલ હતા.
કેપ્ટ્ન હાર્દિકે લોકોના વિરોધી વંટોળ વચ્ચે મેદાન પર આગમન કર્યું હતું અને આવતાવેત ગુસ્સામાં ચોક્કા ફટકારીને ટીકાકારોને જવાબ આપવાની કોશિશ કરી હતી. તેણે છ ફોર સાથે ૨૧ બૉલમાં ૩૪ રન બનાવ્યા હતા.
તિલક વર્માના બે સિક્સરથી બનેલા ૩૨ રન ટીમમાં સેકન્ડ હાઈએસ્ટ હતા. કિશન (૧૬) અને ટિમ ડેવિડ (૧૭) પણ લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા.
રાજસ્થાનની ચુસ્ત ફિલ્ડીંગ વચ્ચે એના બોલર ચહલ, બોલ્ટને ત્રણ ત્રણ તથા બર્ગરને બે, આવેશને એક વિકેટ મળી હતી.