સ્પોર્ટસ

રોહિત-વિરાટને માનભેર ફેરવેલ સાથે ટેસ્ટમાંથી વિદાય આપવી જોઈતી હતી: કુંબલે

બેંગ્લૂરુ: રોહિત શર્મા પછી હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એટલે તેમના કરોડો ચાહકો ઉપરાંત ખાસ કરીને દેશના ભૂતપૂર્વ ખેલાડીઓને પણ આશ્ચર્ય થયું છે. અનિલ કુંબલેએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ બંને દિગ્ગજોને મેદાન પરથી માનભેર ફેરવેલ મળવી જોઈતી હતી.

કોહલીએ અનેક વિક્રમો રચ્યા બાદ હવે 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીને ગુડ બાય કરી છે. તેણે 123 ટેસ્ટમાં 9,230 રન કર્યા હતા જેમાં 30 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી સામેલ હતી. રોહિતે (Rohit Sharma) 67 ટેસ્ટમાં 12 સેન્ચુરી અને 18 હાફ સેન્ચુરીની મદદથી 4,301 રન કર્યા હતા.

કુંબલેએ એક મુલાકાતમાં કહ્યું છે કે ‘મને તો બહુ નવાઈ લાગી. થોડા દિવસની અંદર બે મહાન ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટ રમવાનું છોડી દીધું. આ બન્નેને ટેસ્ટ ક્રિકેટમાં મેદાન પરથી માનભેર વિદાય મળવી જોઈતી હતી.’

કુંબલે (Anil Kumble)નું એવું પણ માનવું છે કે ‘વિરાટ કોહલી (Virat Kohli) હજી થોડા વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમી શક્યો હોત. જોકે પોતે ક્યારે નિવૃત્તિ લેવી એ ખેલાડી પોતે જ જાણતો હોય છે અને પોતે જ પોતાના સમયે નિર્ણય લેતો હોય છે.’

આપણ વાંચો:  પંજાબ-દિલ્હીની અધૂરી રહેલી મૅચ 24મી મેએ ફરીથી રમાશે…

એક સમય હતો જ્યારે ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકે અનિલ કુંબલે હતો અને વિરાટ કોહલી કેપ્ટન હતો. તેમની વચ્ચે બનતું નહોતું એવા અહેવાલો વચ્ચે કુંબલેએ એક જ વર્ષમાં હેડ-કોચનો હોદ્દો છોડી દીધો હતો.

ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 619 વિકેટ લેનાર અનિલ કુંબલેએ એક જાણીતી વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે રોહિત-વિરાટ જેવા પ્રભાવશાળી ખેલાડીઓ તેમના ચાહકોની હાજરીમાં નિવૃત્તિ લે એવો તેમને મોકો મળવો જોઈતો હતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button