રોહિત-વિરાટને ઇંગ્લૅન્ડમાં રમવાની ઑફર, બંને દિગ્ગજોએ કહી દીધું કે…

લંડન/નવી દિલ્હી: રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી-20 તેમ જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે, આગામી વન-ડે સિરીઝને હજી ઘણો સમય બાકી છે અને આઈપીએલ તો નવ મહિના દૂર છે એટલે હાલમાં તેઓ ફેમિલી સાથે ગોલ્ડન પિરિયડ માણી રહ્યા છે એવામાં ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે તેમને એક ઓફર કરી હતી જે બંનેએ નમ્રતાથી ઠુકરાવી દીધી છે.
વન-ડેમાં હાઈએસ્ટ 264 રનનો વર્લ્ડ રેકૉર્ડ તેમ જ ત્રણ ડબલ સેન્ચુરીનો વિશ્વવિક્રમ ધરાવતા રોહિત શર્મા (Rohit Sharma) અને વન-ડે ક્રિકેટના બેતાજ બાદશાહ વિરાટ કોહલી (Virat Kohli)એ 50-50 ઓવરના આ ફૉર્મેટમાં રમવાનું હજી ચાલુ રાખ્યું છે એવું માનીને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે તેમને આ વર્ષની રૉયલ લંડન વન-ડે કપ ટૂર્નામેન્ટમાં રમવા ઇંગ્લૅન્ડ (England) આવવાનું આમંત્રણ (invitation) આપ્યું હતું, પરંતુ બંને પીઢ ભારતીય ક્રિકેટરોએ કહી દીધું છે કે અમે એ સ્પર્ધા રમવા નહીં આવીએ.

ઉલ્લેખનીય છે કે ભારતમાં તો એવી અટકળ થઈ રહી છે કે 2027નો વન-ડે વર્લ્ડ કપ હજી ઘણો દૂર છે એટલે એ પહેલાં યા તો ખુદ રોહિત અને વિરાટ વન-ડે ફોર્મેટમાંથી પણ રિટાયરમેન્ટ લઈ લેશે અથવા ક્રિકેટ બોર્ડ નવા ખેલાડીઓને જ વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનો અભિગમ અપનાવશે એટલે આપોઆપ રોહિત-વિરાટની બાદબાકી થઈ શકે.
રોહિત અને વિરાટને થોડા દિવસમાં ફરી મેદાન પર ઊતરવાની આશા હતી, પરંતુ બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝ બંને દેશ વચ્ચેના તંગ રાજકીય સંબંધોને લીધે મોકૂફ રાખવામાં આવી છે. હવે આ બંને દિગ્ગજ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયા સામેની ઓક્ટોબરની શ્રેણીમાં રમતા જોવા મળશે.
એવું પણ બની શકે કે રોહિત અને વિરાટ મૅચ- ફિટ રહેવા માટે વિજય હઝારે ટ્રોફીમાં રમશે. સામાન્ય રીતે તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં હવે નથી રમતા, પરંતુ ગયા વર્ષે બીસીસીઆઈએ તમામ ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવાની ફરજ પાડી હતી એ જોતાં તેઓ અ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં થોડું રમવાનું પસંદ કરશે એવું મનાય છે.
આ પણ વાંચો…હાર્દિકની ફિટનેસ પર નજર, સૂર્યા હજી પૂરો સાજો નથી થયો