રોહિત અને વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમશે? બીસીસીઆઇએ ચાહકોને આપી દીધી મહત્ત્વની જાણકારી

નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ પહેલાં 2024માં એક જ અરસામાં ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયરમેન્ટ (retirement) લીધું ત્યાર પછી તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ પાંચ દિવસના અંતરમાં નિવૃત્તિ જાહેર કરી દીધી એટલે ઘણાને ચિંતા થતી હશે કે આ બન્ને દિગ્ગજો હવે વન-ડે ક્રિકેટમાં કદાચ નહીં જોવા મળે અને એમાં ખાસ કરીને 2027ના વિશ્વ કપમાં રમતા જોવા મળશે કે કેમ? જોકે બીસીસીઆઇ (BCCI)ના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ એક નિવેદન આપીને ઘણું બધુ સ્પષ્ટ કરી દીધું છે.
રાજીવ શુક્લાએ કહ્યું છે કે રોહિત અને વિરાટ 2027માં રમાનારા વન-ડેના વિશ્વ કપ માટે ઉપલબ્ધ છે. રોહિતે ટેસ્ટમાં રમવાનું છોડ્યું ત્યારે કહ્યું હતું કે તે વન-ડે ફૉર્મેયમાં રમવાનું ચાલુ રાખશે. વિરાટે પણ તાજેતરમાં કહ્યું કે તે વન-ડેના આગામી વર્લ્ડ કપ સુધી રમવાનું ચાલુ રાખવા માગે છે.
આ પણ વાંચો: બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…
બીસીસીઆઇના વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ લંડનમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આપણે બધાને રોહિત અને વિરાટની ગેરહાજરી વર્તાઈ રહી છે, પરંતુ રિટાયરમેન્ટનો ફેંસલો તેમનો બન્નેનો હતો. તેઓ વન-ડે માટે ઉપલબ્ધ છે.’ રાજીવ શુક્લાએ એવું પણ કહ્યું હતું કે બીસીસીઆઇની નીતિ રહી છે કે અમે ક્યારેય કોઈ ખેલાડીને એવું નથી કહેતા કે તેણે ક્યારે કયા ફૉર્મેટમાંથી સંન્યાસ લેવો. રિટાયરમેન્ટ ક્યારે લેવું એ સંપૂર્ણપણે ખેલાડીના પોતાના પર નિર્ભર હોય છે. ટેસ્ટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય આ બન્ને ખેલાડીઓએ પોતે જ લીધો હતો.’
36 વર્ષીય વિરાટે 302 વન-ડેમાં 14,181 રન કર્યા છે જેમાં 51 સેન્ચુરી અને 74 હાફ સેન્ચુરી સામેલ છે. વન-ડે વિશ્વમાં તે સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર બૅટ્સમૅન છે. તેણે 123 ટેસ્ટમાં 9,320 રન અને 125 ટી-20માં 4,188 રન કર્યા હતા.
રોહિત શર્માએ 273 વન-ડેમાં 32 સેન્ચુરી અને 58 હાફ સેન્ચુરી સહિત કુલ 11,168 રન કર્યા છે. 264 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે અને એ વર્લ્ડ રેકૉર્ડ પણ છે. તે વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી (264, 209, 208 અણનમ) ફટકારનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. તેણે 67 ટેસ્ટમાં 4,301 રન અને 159 ટી-20માં 4,231 રન કર્યા હતા. તેની કૅપ્ટન્સીમાં ભારત 2024નો ટી-20 વર્લ્ડ કપ અને 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી.