‘ટીમના અન્ય ખેલાડીઓ કરતાં રોહિત-વિરાટ 1000 ગણા સારા’… ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદને વિવાદ વધાર્યો

પ્રેક્ટિસ વખતે વિરાટે ગંભીરને અવગણ્યો, રોહિતે થોડી ચર્ચા કરી
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અને વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ખેલાડી એસ. શ્રીસાન્ત (SREESANTH) સમયાંતરે નિવેદનો આપીને ચર્ચાસ્પદ થતો રહ્યો છે અને આ વખતે તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે નિવેદન આપીને વર્તમાન વિવાદને થોડું બળ આપ્યું છે. જોકે શ્રીશાન્તનું કહેવુ સકારાત્મક છે.
તેણે કહ્યું છે કે ભારતની વર્તમાન ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓની તુલનામાં રોહિત (Rohit) અને વિરાટ (Virat) 1000 ઘણા સારા છે.

મૅચ ફિક્સિંગની સંડોવણીના પ્રકરણને કારણે ભૂતકાળમાં વર્ષો સુધી વિવાદમાં રહેલા શ્રીસાન્તે એક ઇન્ટરવ્યૂમાં ટીમ ઇન્ડિયાના હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) માટેની સલાહમાં જણાવ્યું છે કે રોહિત અને વિરાટને તેમની રીતે રમવા દેજો, કારણકે ટીમના અન્ય પ્લેયર્સ કરતાં તેઓ અનેક ઘણા ચડિયાતા છે.
રો-કો કો મત રોકો: શ્રીસાન્ત
રોહિત અને કોહલીની જોડી રો-કો તરીકે ઓળખાય છે. શ્રીસાન્તે ગંભીર માટેની સલાહમાં એવું પણ કહ્યું કે ‘ રો-કો કો મત રોકો. તેમને વન-ડેમાં જેવું અને જ્યાં સુધી રમવું હોય એમ તેમની રીતે રમવા દો, કારણકે અન્યોની તુલનામાં તેઓ ઘણા ઘણા ચડિયાતા છે. ઑલ ધ બેસ્ટ ટુ વિરાટ કોહલી ઍન્ડ રોહિત શર્મા.’
ઉકેલ આવવાની આશા
ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજિત આગરકર સાથે રોહિત-વિરાટનો જે વિવાદ ચાલી રહ્યો છે એના ઉકેલ માટે બીસીસીઆઈએ સિલેકટર પ્રજ્ઞાન ઓઝાને રાયપુર મોકલ્યા છે.
ગંભીરે બન્ને દિગ્ગજોની પ્રેક્ટિસ જોઈ
આજની સાઉથ આફ્રિકા સામેની બીજી વન-ડે માટે મંગળવારે રાયપુરમાં રોહિત અને વિરાટે ઘણી વાર સુધી પ્રેક્ટિસ કરી હતી. ગૌતમ ગંભીર તમામ ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોઈ રહ્યો હતો ત્યારે વિરાટ કોહલી બૅટિંગ પ્રેક્ટિસ પૂરી કર્યા બાદ બૅટ પોતાના ખભા પર રાખીને નેટની બહાર આવીને ગંભીર સાથે કંઈ પણ વાતચીત કર્યા વગર ડ્રેસિંગ રૂમ તરફ જતો રહ્યો હતો. જોકે રોહિત શર્માએ પ્રેક્ટિસ પૂરી કર્યા બાદ ગંભીર સાથે થોડી વાતચીત કરી હતી.
આપણ વાંચો: IND vs SA 2nd ODI: રાયપુરની પિચ કોને મદદ કરશે? આ જગ્યાએ મેચ મફતમાં જોઈ શકશો



