સ્પોર્ટસ

ભૂતપૂર્વ સ્પિનર કહે છે, રોહિત પછી હવે સૂર્યા પાસેથી પણ કૅપ્ટન્સી છીનવાઈ શકે છે

લંડનઃ ઇંગ્લૅન્ડના ભારતીય મૂળના ભૂતપૂર્વ સ્પિનર મૉન્ટી પનેસરે શુભમન ગિલને ભારતની ટેસ્ટ ટીમ પછી હવે વન-ડે ટીમની પણ કૅપ્ટન્સી સોંપવામાં આવી એ નિર્ણયને માસ્ટરસ્ટ્રૉક ગણાવ્યો છે, પરંતુ તેણે એવી ધારણા પણ વ્યક્ત કરી છે કે રોહિત શર્મા (Rohit) પછી હવે સૂર્યકુમાર (SURYAKUMAR) યાદવ પાસેથી પણ કૅપ્ટન્સી છીનવાઈ શકે છે.

ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેમના સાથી પસંદગીકારોની સિલેક્શન કમિટીએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ 38 વર્ષના રોહિત શર્મા પાસેથી વન-ડેના નેતૃત્વની જવાબદારી આંચકી લઈને 26 વર્ષીય શુભમન ગિલ (Gill)ને સોંપાઈ છે. 19મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમનું સુકાન ગિલ સંભાળશે.

આપણ વાંચો: શુભમન ગિલ એશિયા કપમાં રમશે? બ્લડ ટેસ્ટ કેમ કરાવી?

જોકે પનેસર (PANESAR)નું એવું માનવું છે કે ગિલ જવાબદારી વચ્ચે બૅટિંગમાં વધુ સારું પર્ફોર્મ કરનારો ખેલાડી છે.

ઘણા ખેલાડીઓએ રોહિત પાસેથી વન-ડે ટીમનું સુકાન આંચકી લેવાના પગલાં બદલ સિલેક્ટરોની ટીકા કરી છે, જ્યારે પનેસરે આ નિર્ણયને આવકાર્યો છે. પનેસર માને છે કે આ નેતૃત્વની ભૂમિકા ગિલના કરીઅરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવી શકે છે.

આપણ વાંચો: શુભમન ગિલે આઇસીસી અવૉર્ડ જીતવામાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો

પનેસરે એએનઆઇને કહ્યું, ` મને લાગે છે કે આ બહુ સારો નિર્ણય છે, કારણકે તેણે (ગિલે) અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની હાજરીમાં ગિલને કૅપ્ટન બનાવવો એ સમજદારીભર્યું પગલું છે, કારણકે તે (રોહિત) તેને માર્ગદર્શન આપી શકશે. ઇંગ્લૅન્ડમાં અમે તાજેતરમાં જ જોયું કે ગિલ નૅચરલ લીડર છે.

મને ખાતરી છે કે વન-ડેનો કૅપ્ટન બન્યા પછી ગિલ આગામી સિરીઝમાં સારું પર્ફોર્મ કરશે. ભવિષ્યમાં (સૂર્યકુમાર યાદવના સ્થાને) ટી-20 ટીમની કૅપ્ટન્સી પણ ગિલને સોંપાશે તો મને નવાઈ નહીં લાગે, કારણકે ગિલ જવાબદારી મળ્યા પછી વધુ ખીલીને રમે છે.’

ઉલ્લેખનીય છે કે શુભમન ગિલે તાજેતરમાં કહ્યું, ` મારું ધ્યાન હવે પૂર્ણપણે ભવિષ્ય તરફ અને 2027ના વન-ડે વર્લ્ડ કપ પર છે.’ ભારત એ વિશ્વ કપ પહેલાં લગભગ 20 વન-ડે રમશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button