T20 World Cup 2024સ્પોર્ટસ

રોહિતના મમ્મીએ વાનખેડેની સેરેમની જોવા ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ કૅન્સલ કરી હતી

પૂર્ણિમા શર્માએ પુત્રની યાદગાર ઈવેન્ટ વખતે વ્યક્ત કરી ભાવવિભોર વાતો

મુંબઈ: શનિવાર, 29મી જૂનનો દિવસ રોહિત શર્મા માટે 15 વર્ષની કરીઅરનો સૌથી મોટો અને સૌથી યાદગાર દિવસ હતો. રોહિત એ દિવસે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા પછી જેટલો ઈમોશનલ થઈ ગયો હતો એવો અગાઉ ક્યારેય નહોતો થયો. એટલે જ તેના મમ્મી પૂર્ણિમા શર્માએ પુત્રની આ અપ્રતિમ સિદ્ધિના સેલિબ્રેશન નિમિત્તે ગુરુવારે કોઈપણ ભોગે વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહેવાનું નક્કી કર્યું હતું. આ ઈવેન્ટમાં હાજરી આપવા પૂર્ણિમા શર્માએ ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ સુદ્ધા રદ કરી હતી.

બોરિવલી-બૉય રોહિતના મમ્મી તેમના પુત્રના વિજેતાપદની ઉજવણીમાં ગમે એમ કરીને હાજર રહેવા માગતા હતા. 32,000ની ફુલ કૅપેસિટીમાં ભરાઈ જવાનું હતું એવો પહેલેથી જ બધાને અંદાજ હતો. પુત્રની આ ઇવેન્ટમાં પોતે સહભાગી ન થાય એ પૂર્ણિમા શર્માને મંજૂર નહોતું.

https://twitter.com/iSanjanaGanesan/status/1808966810882224620

પૂર્ણિમા શર્મા વાનખેડેમાં વીઆઈપી મહેમાનો માટેના પ્રેસિડેન્ટ્સ બોક્સમાં બેઠા હતા. વહાલસોયો દીકરો રોહિત તેની ચેમ્પિયન ટીમ સાથેનો ‘ઓપન બસ રોડ-શો’ પૂરો કરીને વાનખેડેમાં પાછો આવ્યો ત્યાર બાદ મમ્મીને મળવા પ્રેસિડેન્ટ્સ બોક્સમાં આવ્યો હતો અને તેમને ભેટી પડ્યો હતો.

પુત્ર રોહિતને તેઓ એક મહિને મળ્યા હતા. એમાં પણ પુત્ર સૌથી મોટી ટ્રોફી જીતીને આવ્યો હોવાથી તેમની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે દીકરાને ભેટીને ચૂમી લીધો હતો. આખરે તેમની મમતા તેમ જ પિતા ગુરુનાથના પ્રેમને કારણે જ તેમનો પુત્ર આટલી મોટી સિધ્ધિ હાંસલ કરી શક્યો હતો.

પૂર્ણિમા શર્માએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે રોહિતે વર્લ્ડ કપ માટે જતા પહેલાં જ ટી-20 ઇન્ટરનેશનલને વર્લ્ડ કપ રમી લીધા પછી ગુડબાય કરી દેવાનું નક્કી કરી લીધું હતું.

રોહિતે ત્યારે તેના મમ્મી પાસે આવીને કહ્યું હતું કે વિશ્વ કપ પછી તે ટી-20 ઇન્ટરનેશનલ નથી રમવા માગતો. તેના મમ્મીએ તેને ત્યારે કહ્યું કે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે બનતા પૂરા પ્રયત્નો કરજે.

પૂર્ણિમા શર્માએ ગુરુવારના સેલિબ્રેશન દરમિયાન કહ્યું હતું કે તેઓ આ યાદગાર દિવસ જોશે એવી તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેમણે પોતાની તબિયત સારી ન હોવા છતાં પુત્રની આ અવિસ્મરણીય ઇવેન્ટમાં હાજર રહેવાનું નક્કી કરી લીધું હતું અને આવીને રહ્યા.

વાનખેડેમાં પૂર્ણિમા શર્માએ એક અખબારને કહ્યું કે ‘જુઓ તો ખરા… લોકોનો આ ઉત્સાહ અને અપાર પ્રેમ. મારા આનંદની કોઈ સીમા નથી. આવું અગાઉ મેં ક્યારેય નહોતું જોયું. રોહિત અથાક મહેનત અને સમર્પણની ભાવનાને કારણે જ આ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શક્યો છે અને એટલે જ તેને લોકોનો આટલો બધો બધો પ્રેમ મળી રહ્યો છે. આજે હું પોતાને સૌથી આનંદિત મમ્મી તરીકે મહેસૂસ કરી રહી છું.’

આ પ્રસંગે રોહિતના પિતા ગુરુનાથ તેમ જ રોહિતનો ભાઈ વિશાલ પણ હાજર હતા અને તેઓ પણ બેહદ ખુશ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button