બીસીસીઆઇ સામે રોહિત અને વિરાટના મુદ્દે હવે મોટો પડકાર છે…
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ચાહકોની વાનખેડે સ્ટેડિયમ સાથે ખૂબ જ સારી યાદો જોડાયેલી છે. 2011ની બીજી એપ્રિલે આ જ મેદાન પર ભારતીય ટીમે વન-ડેનો વર્લ્ડ કપ જીતી લીધો હતો અને વન-ડેની સૌથી મોટી ટ્રોફીના 28 વર્ષના દુકાળનો અંત આવ્યો હતો. જોકે કોણે વિચાર્યું હશે કે એ ખિતાબ જીત્યા પછી 13 વર્ષ અને સાત મહિના બાદ ટીમ ઇન્ડિયાએ આ જ મેદાન પર ખરાબ સમય જોવો પડશે. એક તરફ કિવી ટીમનો મુખ્ય બૅટર કેન વિલિયમસન ઈજાને કારણે ભારતના પ્રવાસે નહોતો આવ્યો ત્યાં બીજી બાજુ ભારતના બે સ્ટાર-બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં સાવ ફ્લૉપ ગયા. હવે બીસીસીઆઇએ આ બે દિગ્ગજને બાજુ પર રાખીને ટીમ માટે આગળનું વિચારવાનો સમય આવી ગયો છે કે શું એની ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે.
આ પણ વાંચો : ભારતના ઑસ્ટ્રેલિયા-પ્રવાસ વિશે સુનીલ ગાવસકરે કરી મોટી ભવિષ્યવાણી
ન્યૂ ઝીલૅન્ડની ટીમ 36 વર્ષે પહેલી વાર ભારતમાં ટેસ્ટ-મૅચ જીતી. ત્યાર બાદ પહેલી વખત ભારતમાં ટેસ્ટ-સિરીઝનો વિજય પણ માણ્યો અને છેલ્લે ટીમ ઇન્ડિયાનો 3-0થી વાઇટ-વૉશ કર્યો.
બેન્ગલૂરુમાં 46 રનમાં ઑલઆઉટ થવાની સાથે ભારતીય ટીમના પતનની ત્યારે શરૂઆત થઈ અને પુણેમાં પણ શિકસ્ત મળ્યા બાદ મુંબઈમાં ભારતીય ટીમના ખરાબ તબક્કાને વિરામ મળ્યું.
રિષભ પંતને બાદ કરતા બીજા બધા ભારતીય બૅટર્સે સિરીઝમાં ખરાબ પર્ફોર્મ કર્યું. ભારતીયોમાં એકમાત્ર પંતે ત્રણ મૅચની છ ઇનિંગ્સમાં 200 રનનો આંકડો પાર કર્યો. નવાઈ એ વાતની છે કે ક્રિકેટજગતના સૌથી મોટા દિગ્ગજોમાં ગણાતા રોહિત અને કોહલી સિરીઝમાં કુલ 100 રન સુધી પણ નહોતા પહોંચી શક્યા. એ બન્નેથી વધુ રન રવીન્દ્ર જાડેજાએ બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ એકલાએ જેટલા રન બનાવ્યા એ રનનો સરવાળો કોહલી-રોહિતના કુલ રન જેટલો હતો. ટીમ ઇન્ડિયાએ જેમના પર સૌથી વધુ આધાર રાખ્યો એ જ બે દિગ્ગજ બૅટર ટીમ પર બોજ બની ગયા હતા.
કિવીઓ સામેની શ્રેણી પહેલાં કોહલી-રોહિતને થોડી ડોમેસ્ટિક મૅચો રમવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ એ સલાહનો કોઈ જ ફાયદો ન થયો. આ બન્ને દિગ્ગજો પહેલી ટેસ્ટમાં પેસ બોલર સામે અને પછીની બે ટેસ્ટમાં સ્પિનર્સ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
કોહલીએ 2021થી અત્યાર સુધીમાં ઘરઆંગણાની મૅચોમાં 16 મૅચની 27 ઇનિંગ્સમાં 29.92ની સરેરાશે કુલ 778 રન બનાવ્યા છે જેમાં ત્રણ હાફ સેન્ચુરી અને એક સેન્ચુરીનો સમાવેશ છે.
રોહિતે 20 મૅચની 35 ઇનિંગ્સમાં 35.58ની સરેરાશે કુલ 1210 રન બનાવ્યા છે જેમાં ત્રણ હાફ સેન્ચુરી તથા ચાર સેન્ચુરી સામેલ છે.
અગાઉનો સમય હતો જ્યારે કોહલીનો હોમ-ટેસ્ટમાં ડંકો વાગતો હતો. તેણે ભારતમાં રમાયેલી અને ભારતે જીતેલી 39 ટેસ્ટની 60 ઇનિંગ્સમાં 59.69ની સરેરાશે કુલ 3164 રન બનાવ્યા હતા જેમાં આઠ હાફ સેન્ચુરી અને 16 સેન્ચુરી સામેલ હતી.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં વિરાટે 24 મૅચમાં 38.80ની ઍવરેજે 1358 રન બનાવ્યા છે જેમાં પાંચ હાફ સેન્ચુરી તથા બે સેન્ચુરી સામેલ છે.
ટીમ ઇન્ડિયાએ ભારતમાં જીતેલી ટેસ્ટ મૅચોમાં રોહિતનું યોગદાન આ મુજબનું છેઃ 26 ટેસ્ટના 40 દાવમાં 62.54ની સરેરાશે 2189 રન, પાંચ હાફ સેન્ચુરી અને 10 સેન્ચુરી.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં રોહિતે 23 મૅચના 37 દાવમાં 56.74ની સરેરાશે 1986 રન બનાવ્યા છે જેમાં ત્રણ હાફ સેન્ચુરી અને નવ સેન્ચુરી સામેલ છે.
અહીં સવાલ એ છે કે ન્યૂ ઝીલૅન્ડ સામેની શર્મનાક હારને પગલે હવે રોહિત અને કોહલીને ટેસ્ટ ટીમમાં હજી કેટલો સમય નક્કીપણ સ્થાન મળતું રહેશે?