નવી દિલ્હી: રોહિત શર્માને મુંબઈ ઇન્ડિયન્સના સુકાનીપદેથી હટાવાયો એ તો તેના અસંખ્ય ચાહકોને નથી ગમ્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રોહિત વિશેની માન્યતા થોડી જુદી છે.
કેટલાકને મનમાં પ્રશ્ર્ન થઈ રહ્યો છે કે રોહિત જૂન મહિનામાં અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં હશે કે નહીં? અમુકનું એવું માનવું છે કે 36 વર્ષનો રોહિત હવે ક્યાં સુધી રમશે એ જ મોટો સવાલ છે. કેટલાકને એવું લાગી રહ્યું છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં રોહિતના સ્થાને કદાચ હાર્દિક પંડ્યા કૅપ્ટનપદે હશે.
જોકે પીટીઆઇના અહેવાલ મુજબ રોહિતે ‘બ્રેકફાસ્ટ વિથ ચૅમ્પિયન્સ’ નામના યુટ્યૂબ ચૅટ શોમાં કહ્યું છે, ‘ખરું કહું તો મેં રિટાયરમેન્ટ વિશે હજી કંઈ વિચાર્યું જ નથી. મારા ભાવિમાં શું વળાંક આવશે એ જ મને નથી ખબર. હું તો એટલું જ જાણું છું કે અત્યારે હું સારું રમી રહ્યો છું અને હજી થોડા વર્ષ તો રમવું જ છે.’
રોહિત 2007ના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં હતો. ભારતે એ સૌપ્રથમ ટી-20 વિશ્ર્વકપ જીતી લીધો હતો. રોહિતે ચૅટ શોમાં વધુમાં કહ્યું, ‘મારી દૃષ્ટિએ વન-ડેનો વર્લ્ડ કપ ખરો વર્લ્ડ કપ કહેવાય. એ ફૉર્મેટના વર્લ્ડ કપને જોઈને જ આપણે બધા મોટા થયા છીએ. 2025માં લૉર્ડસમાં ટેસ્ટની વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમાશે અને મને ખાતરી છે કે ભારત પહેલી બે ફાઇનલ બાદ આ ત્રીજી ફાઇનલમાં પણ પહોંચશે. હું તો કહું છું કે મારે 2027ના વન-ડેના વર્લ્ડ કપ સુધી રમતા રહેવું છે અને એ વિશ્ર્વકપ જિતાડવો છે.’
રોહિતે 2023માં ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલની હાર વિશેના સવાલના જવાબમાં કહ્યું, ‘સેમિ ફાઇનલ જીત્યા પછી અમે બધા માનતા હતા કે હવે આપણે ટ્રોફીથી એક જ ડગલું દૂર છીએ. જોકે 19મી નવેમ્બરનો એ દિવસ ભારતીય ટીમ માટે ખરાબ દિવસ હતો. જોકે ત્યાર પછી આપણે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ 4-1થી જીત્યા એનાથી અમને બધાને ખૂબ આનંદ થયો હતો.’
Taboola Feed