ગિલ રમશે રણજીમાં, રોહિતે પણ પ્રૅક્ટિસ શરૂ કરીઃ જાણો કયો ભારતીય ખેલાડી છેલ્લે રણજીમાં ક્યારે રમ્યો?
નવી દિલ્હીઃ પેસ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટ મૅચોમાં પર્ફોર્મ કરીને તેમ જ પોતાની ફિટનેસ પુરવાર કરીને આગામી બાવીસમી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામે ઘરઆંગણે રમાનારી પાંચ મૅચની ટી-20 સિરીઝ માટેની ટીમમાં સ્થાન મેળવી લીધું છે, પણ હવે એવા કેટલાક બૅટર્સ છે જેમણે ફરી ફૉર્મમાં આવવા ડોમેસ્ટિકમાં રમવું પડે છે અને એમાં રોહિત શર્મા તથા શુભમન ગિલનું નામ હમણાં ખૂબ ચર્ચામાં છે. રોહિત મુંબઈના ટ્રેઇનિંગ કૅમ્પમાં જોડાઈ ગયો છે અને ગિલે પણ પંજાબ માટે આગામી રણજી મૅચમાં રમવાની તૈયારી બતાવી છે.
રણજી ટ્રોફીનો નવો રાઉન્ડ 23મી જાન્યુઆરીએ શરૂ થશે અને એ માટેના મુંબઈના પ્રૅક્ટિસ કૅમ્પમાં રોહિત જોડાયો છે. આજે વાનખેડેમાં સેન્ટર-વિકેટ ખાતે બે કલાકનું સત્ર ચાલ્યું હતું. મુંબઈની આગામી મૅચ (છઠ્ઠા રાઉન્ડની મૅચ) જમ્મુ અને કાશ્મીર સામે રમાવાની છે. રોહિત મુંબઈ વતી આગામી રણજી મૅચોમાં રમશે કે કેમ એ વિશે સત્તાવાર રીતે હજી કંઈ નથી કહેવામાં આવ્યું, પરંતુ મુંબઈના હેડ-કોચ ઓમકાર સાળવી સાથેની સલાહ-મસલત બાદ મુંબઈની ટીમ સાથે પ્રૅક્ટિસ કરવા વિશે તેની (રોહિતની) જે આતુરતા છે એના પરથી કહી શકાય કે તે આગામી અમુક મૅચોમાં રમશે જ. મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) આ અઠવાડિયે આગામી રણજી મૅચ માટેની ટીમ જાહેર કરશે.
રોહિતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં કુલ ફક્ત 31 રન બનાવ્યા હતા. ભારત એ સિરીઝ 1-3થી હારી ગયું હતું.
શુભમન ગિલે પુષ્ટિ આપતા જણાવ્યું છે કે તે કર્ણાટક સામે આગામી 23મી જાન્યુઆરીએ શરૂ થનારી રણજી મૅચમાં રમવા માટે ઉપલબ્ધ છે. પંજાબની ટીમ હવે પછી જાહેર કરાશે. ભારતનો અને મુંબઈનો ભૂતપૂર્વ ઓપનર તેમ જ રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર વસીમ જાફર પંજાબની ટીમનો કોચ છે અને ગિલ પણ ફૉર્મ પાછું મેળવવા રણજી તેની સાથેની સલાહ-મસલત પછી રણજીમાં રમવા મેદાન પર ઊતરશે. જોકે પંજાબની ટીમમાં મુખ્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને બૅટર અભિષેક શર્મા નહીં હોય, કારણકે તેમનો બાવીસમી જાન્યુઆરીએ કોલકાતામાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી પ્રથમ ટી-20 મૅચ માટેની ટીમમાં સમાવેશ કરાયો છે.
Also read:
શુભમન ગિલ જૂન 2021થી માંડીને અત્યાર સુધીમાંજે 18 ઇનિંગ્સ રમ્યો એમાં તેની માત્ર 17.64ની બૅટિંગ-ઍવરેજ છે.
અહીં એક યાદી આપવામાં આવી છે જેમાં ભારતીય ક્રિકેટના હાલના મોટા નામવાળા ખેલાડીઓ છેલ્લે રણજી ટ્રોફીમાં ક્યારે રમ્યા એની વિગત છે. આ રસપ્રદ વિગતો મુંબઈના જાણીતા સ્કોરર દીપક જોશીએ આપી છે.
મોટા નામવાળા ક્રિકેટરો છેલ્લે રણજીમાં ક્યારે રમ્યા હતા, જાણો છો?
(1) રોહિત શર્માઃ નવેમ્બર 2015
(2) વિરાટ કોહલીઃ નવેમ્બર 2012
(3) શુભમન ગિલઃ જૂન 2022
(4) યશસ્વી જયસ્વાલઃ જાન્યુઆરી 2023
(5) કે. એલ. રાહુલઃ ફેબ્રુઆરી 2020
(6) રિષભ પંતઃ ડિસેમ્બર 2017
(7) રવીન્દ્ર જાડેજાઃ જાન્યુઆરી 2023
(8) જસપ્રીત બુમરાહઃ જાન્યુઆરી 2017
(9) હાર્દિક પંડ્યાઃ ડિસેમ્બર 2018