રોહિત છગ્ગા ફટકારવામાં ધોનીથી આગળ, સેહવાગથી 11 ડગલાં દૂર
‘નસીબવાન’ કૅપ્ટનની 218 દિવસ પછી પહેલી સેન્ચુરી
રાજકોટ: કૅપ્ટન રોહિત શર્માનો બૅટિંગમાં પર્ફોર્મન્સ ખરેખર અનિશ્ચિત હોય છે. સંખ્યાબંધ મૅચોમાં ફ્લૉપ ગયા પછી એક એવી જબરદસ્ત ઇનિંગ્સ રમે જેમાં વિક્રમોની વણજાર હોય, જેના કારણે હરીફોના શ્વાસ અદ્ધર થઈ ગયા હોય, યુવા વર્ગ માટે પ્રેરણાનો ધોધ વહેતો હોય અને ટીમ માટે જીતનો પાયો નખાયો હોય. રોહિત ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે 131 રન બનાવ્યા હતા જેમાં ત્રણ સિક્સર અને 14 ફોરનો સમાવેશ હતો. ખૂબીની વાત એ છે કે રોહિતના ટેસ્ટ-ક્રિકેટમાં આ સાથે કુલ 80 છગ્ગા થયા છે. તેણે એમએસ ધોનીને પાછળ રાખી દીધો છે. ધોનીએ ટેસ્ટ-કરીઅરમાં 77 સિક્સર ફટકારી હતી. ભારતીયોમાં હવે રોહિતથી માત્ર વીરેન્દર સેહવાગ આગળ છે. વીરુદાદાના નામે 91 સિક્સર છે. ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ઇંગ્લૅન્ડના વર્તમાન કૅપ્ટન બેન સ્ટૉક્સે ફટકાર્યા છે. તેના નામે 128 અને બીજા નંબરે તેની જ ટીમના હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમના નામે 107 સિક્સર છે. ગિલક્રિસ્ટની 100 સિક્સર ત્રીજા સ્થાને છે.
રોહિત ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલી બે ટેસ્ટની ચારેય ઇનિંગ્સમાં ફ્લૉપ (24, 39, 14, 13) રહ્યો હતો, પણ પાંચમી ઇનિંગ્સમાં જોરદાર કમબૅક કર્યું. તેની નજર સામે યશસ્વી જયસ્વાલ (10 રન), શુભમન ગિલ (0) અને રજત પાટીદાર (5) આઉટ થઈને પૅવિલિયન ભેગા થયા હતા, પરંતુ રોહિત અડગ રહ્યો હતો. પાટીદારની ત્રીજી વિકેટ વખતે ભારતનો સ્કોર 33/3 હતો ત્યારે રવીન્દ્ર જાડેજા તેની સાથે જોડાયો હતો અને બન્ને જણ ટીમના સ્કોરને 225ને પાર લઈ ગયા હતા. 237મા રને રોહિતની વિકેટ પડી હતી અને ત્યાં સુધીમાં બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 204 રનની વિક્રમી ભાગીદારી થઈ ચૂકી હતી.
36 વર્ષના રોહિતે 11મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી. તે 218 દિવસ પછી (8 મહિને) ફરી ટેસ્ટ સદી ફટકારવામાં સફળ થયો છે. 10 ઇનિંગ્સ પછી તે 11મી સદી નોંધાવી શક્યો છે.
ફાસ્ટ બોલર માર્ક વૂડની ઓવરમાં રોહિતે પોતાના 196મા બૉલ પર હરીફ કૅપ્ટન બેન સ્ટૉક્સને મિડ-વિકેટ પર કૅચ આપી દીધો હતો. માર્ક વૂડનો એ શૉર્ટ બૉલ હતો જેમાં રોહિત વિચિત્ર મૂવમેન્ટ સાથે રમ્યો હતો અને કૅચ આપી બેઠો હતો.
જોકે રોહિત 27 રને હતો ત્યારે સ્પિનર ટૉમ હાર્ટલીના બૉલમાં પ્રથમ સ્લિપમાં જો રૂટના હાથે તેનો કૅચ છૂટ્યો હતો. બ્રિટિશ ટીમને એ જીવતદાન મોંઘુ પડ્યું હતું, કારણકે ત્યાર પછી રોહિત બીજા 104 રન બનાવી ગયો હતો.
ટેસ્ટમાં ભારતીયોમાંથી કોની સૌથી વધુ સિક્સર?
91-વીરેન્દર સેહવાગ
80-રોહિત શર્મા
78-એમએસ ધોની
69-સચિન તેન્ડુલકર
62-રવીન્દ્ર જાડેજા
61-કપિલ દેવ