રોહિત શર્માએ ફરી પ્રૅક્ટિસ શરૂ કરી, પત્ની રિતિકા ભાવુક થઈ

મુંબઈઃ ભારતનો વન-ડે કૅપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA) ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થઈ ગયો હોવાથી તેણે આગામી વન-ડે સિરીઝ પહેલાં પત્ની રિતિકા (RITIKA) તેમ જ બન્ને સંતાનો સાથે ઘણો સમય વીતાવ્યો અને ફરી પ્રૅક્ટિસ કરવા મેદાન પર પહોંચ્યો એ સાથે રિતિકાએ સોશ્યલ મીડિયામાં ભાવુક સ્થિતિમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
વિરાટ કોહલીની જેમ 38 વર્ષીય રોહિત પણ હવે માત્ર વન-ડે ફૉર્મેટમાં અને આઇપીએલમાં રમશે. ભારતની આગામી વન-ડે સિરીઝ ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા સામે રમાવાની છે અને એ માટે અગાઉથી જ પૂરતી તૈયારી કરવા તેમ જ ફિટનેસ મેળવવા રોહિતે પ્રૅક્ટિસ શરૂ કરવાની સાથે મીડિયામાં વીડિયો (VIDEO) શૅર કર્યો છે અને એની સાથે કૅપ્શનમાં લખ્યું છે, ` હું પાછો મેદાન પર આવી ગયો છું. આ કમબૅક મને ખૂબ ગમ્યું છે.’
રોહિતે આવું લખવાની સાથે જે વીડિયો શૅર કર્યો છે એમાં તેના ફૅમસ શૉટ જોવા મળી રહ્યા છે તેમ જ તે ફુલ્લી ફિટ છે એવું પણ લાગી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતના આ કમબૅક વિશે પત્ની રિતિકા ખૂબ જ ઉત્સાહિત, રોમાંચિત છે અને તેણે ભાવુક સ્થિતિમાં ઇન્સ્ટાગ્રામ પર `ગૂઝબમ્પ્સ ઍન્ડ…’ (GOOSEBUMPS AND) એવું લખીને ભાવુક સ્થિતિમાં રડી રહેલા ત્રણ ઇમોજી જોડ્યા છે. ખરેખર તો રિતિકા પાસે પોતાના ભાવ વ્યક્ત કરવા શબ્દો નહોતા.
રોહિતના કમબૅકને તેમ જ રિતિકાની પ્રતિક્રિયા વિશે ઘણા ચાહકોએ કમેન્ટ લખી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે 19મી ઑક્ટોબરે પર્થમાં રમાશે.
આ પણ વાંચો…રોહિત શર્માએ ચાહકોને બે હાથ જોડીને વિનંતી કરી કે…