
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં ચાલી રહેલા 2023 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ઘણું જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ એમ તમામ મોરચે સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાની બોલિંગ તો સુપર્બ રહી છે. કેપ્ટન રોહિત શર્મા પોતાના બોલરોથી ઘણો ખુશ છે અને સતત તેમના વખાણ કરી રહ્યો છે. આ દરમિયાન રોહિતે બોલિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમ સાતમી મેચમાં પડોશી દેશ શ્રીલંકા સામે ટકરાવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મેચ આજે એટલે કે બીજી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 1 નવેમ્બર બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન રોહિતે બોલિંગને લઈને ઘણી વાતો કહી. તેણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ જરૂર પડશે તો ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલરોને ટીમમાં લેવામાં અચકાશે નહીં.
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પોતાની પ્રથમ મેચમાં માત્ર 3 સ્પિનરો સાથે રમી છે. ચેપોક મેદાન પર રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં એકસાથે જગ્યા આપવામાં આવી હતી, જો કે લખનઊમાં રમાયેલી તેની છેલ્લી મેચમાં ભારતીય ટીમ માત્ર 2 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી. લખનઊની પિચ સ્પીનરો માટે અનુકૂળ માનવામાં આવે છે. લખનઊના ગ્રાઉન્ડ પર રમાયેલી એ મેચમાં ઝડપી બોલરોએ કુલ 7 વિકેટ ઝડપી હતી, પરંતુ સ્પિનરોએ માત્ર 15 ઓવર જ ફેંકી હતી.