`સેન્સીબલ આદમી હૂં, દો બચ્ચોં કા બાપ હું’…કેમ રોહિત શર્માએ આવું કહેવું પડ્યું?
સિડનીઃ રોહિત શર્માએ અહીં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટમાં નહીં રમવાના પોતાના જ નિર્ણય વિશે પેટછૂટી વાત આજે મૅચના બીજા દિવસે બે્રક દરમ્યાન એક ઇન્ટરવ્યૂમાં કરી હતી અને એ સાથે તેણે પોતાની નિવૃત્તિની અટકળો ફેલાવતા લોકોને ટોણો પણ માર્યો હતો. રોહિતને જ્યારે તેના રિટાયરમેન્ટ વિશેની અટકળો બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, અરે ભાઈ, મૈં કહીં નહીં જા રહા હૂં. જેમ મેં કહ્યું કે મેં આ જે નિર્ણય લીધો છે એ કોઈ નિવૃત્તિનો નિર્ણય નથી કે નથી હું આ ગેમમાંથી હટવાનો. લૅપટૉપ, માઇક, પેન કે કાગળ સાથે બેસીને કોઈ માણસ જે કંઈ લખતો હોય કે બોલતો હોય એનાથી કંઈ અમારી લાઇફમાં બદલાવ ન આવે.
Also read: રોહિત શર્માએ નિવૃત્તિ પર કરી સ્પષ્ટતા, કહ્યું કે…..
અમે આટલા વર્ષોથી રમીએ છીએ એટલે અમારે ક્યારે જવાનું (ક્યારે રિટાયરમેન્ટ લેવાનું) કે અમારે ક્યારે રમવાનું, ક્યારે ટીમની બહાર બેસવાનું કે ક્યારે કૅપ્ટન્સી સંભાળવાની એ બધુ કંઈ આ લોકોએ નક્કી ન કરવાનું હોય. સમજદાર માણસ છું, મૅચ્યોર માણસ છું, બે બાળકોનો બાપ છું, મારી પાસે થોડું તો દિમાગ છે કે લાઇફમાં મારે શું જોઈએ.’ રોહિતે એવું પણ કહ્યું કેસિડનીમાં સિરીઝની આ છેલ્લી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય મેં પોતે જ લીધો હતો. આ નિર્ણય લેવાનું બહુ કઠિન લાગ્યું, પણ ટીમની જરૂરિયાત જોઈને મેં એ નિર્ણય લીધો. ક્યારેક ટીમની જરૂરિયાત પણ સમજવી પડતી હોય છે. ટીમને પ્રાધાન્ય ન આપો તો શું મતલબ છે!’
રોહિતે પોતાના રિટાયરમેન્ટને લગતી અફવા બાબતમાં વધુમાં કહ્યું, `અમને અફવાની અસર નથી થતી હોતી. અમે (ખેલાડીઓ) પોલાદી મનોબળવાળા છીએ. કેટલીક બાબતો (અટકળો) અમારા અંકુશમાં નથી હોતી.’ રોહિત આજે ડ્રેસિંગ-રૂમમાં બેઠો હતો અને તેણે હેડ-કોચ ગૌતમ ગંભીર તથા અન્ય ખેલાડીઓની માફક રિષભ પંતની ફટકાબાજી ખૂબ માણી હતી.