સ્પોર્ટસ

ધોની વિશે પુછાયું તો રોહિતે બતાવી દરિયાદિલી…

બ્રિજટાઉન: જેમ 2007ના ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદને વર્ષોથી યાદ રાખવામાં આવ્યું છે એમ હવે 2024ના વિજેતાપદની યાદ પણ ક્રિકેટપ્રેમીઓના સ્મૃતિપટ પરથી ક્યારેય નહીં જાય. શનિવારે રોહિત શર્માના સુકાનમાં ભારતે રોમાંચક ફાઇનલમાં વિજય મેળવ્યો ત્યાર બાદ એમએસ ધોનીએ તો રોહિત અને તેની ટીમને અભિનંદન આપ્યા, શનિવારની જીત પછી રોહિતને ખાસ ધોનીના વિજેતાપદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ધોનીની મન મૂકીને પ્રશંસા કરી હતી.

રોહિતનો આ પ્રતિક્રિયાને લગતો વીડિયો વાયરલ થયો છે. એમાં રોહિતે કહ્યું છે, ‘ધોનીભાઈ મહાન ખેલાડી છે. તેમણે ટીમ માટે અને દેશ માટે ઘણું કર્યું છે. મને ખુશી એ વાતની પણ છે કે તેમણે અમારી આ ઐતિહાસિક જીતને ખૂબ વખાણી છે.’
ધોનીના સુકાનમાં ભારતે સૌથી પહેલાં 2007નો ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. ત્યાર બાદ તેના જ સુકાનમાં 2011માં ભારત ઘરઆંગણે વન-ડેનો વિશ્ર્વ કપ જીત્યું હતું. બે વર્ષ બાદ ધોનીના જ નેતૃત્વમાં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી પણ જીતી લીધી હતી.

આ પણ વાંચો : રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન

યોગાનુયોગ, રોહિતે તાજેતરમાં જ ધોનીનો રેકૉર્ડ તોડ્યો હતો. ટી-20 વર્લ્ડ કપ શરૂ થયો એ પહેલાં ધોની ટી-20માં ભારતનો સૌથી સફળ કૅપ્ટન હતો. ધોનીએ 72 ટી-20 મૅચમાં નેતૃત્વ સંભાળ્યું હતું જેમાંથી 41 મૅચમાં ભારત જીત્યું હતું. જોકે હવે રોહિત સૌથી સફળ સુકાની છે. તેની કૅપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા 62 મૅચ રમી છે જેમાંથી 50 મૅચમાં ભારતનો વિજય થયો છે. રોહિત 50 ટી-20 ઇન્ટરનૅશનલમાં કૅપ્ટન તરીકે વિજય મેળવનાર વિશ્ર્વનો પ્રથમ સુકાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button