રોહિત વિશે કેકેઆરના નામની અટકળ ઉડી એટલે એમઆઈએ ખુલાસો' કરવો પડ્યો, મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ' | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રોહિત વિશે કેકેઆરના નામની અટકળ ઉડી એટલે એમઆઈએ ખુલાસો’ કરવો પડ્યો, મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ’

મુંબઈઃ આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમનો સહ-માલિક અને કિંગ ખાન તરીકે જાણીતો શાહરુખ ખાન રવિવાર, બીજી નવેમ્બરે બર્થ-ડે ઉજવશે, પરંતુ એ પહેલાં તેને ઉદાસ કરી મૂકે એવું કંઈક બન્યું છે. ખેલાડીઓની હરાજીની આગામી ઇવેન્ટ પહેલાં એક એવી અટકળ ઉડી છે જેના પર મુંબઈ ઇન્ડિયન્સે ઠંડું પાણી રેડી દીધું છે.

ભારતનો બૅટિંગ-લેજન્ડ અને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્મા (Rohit Sharma) હવે આ જ ટીમ (એમઆઇ) સાથે જ રહેશે કે અન્ય કોઈ ટીમમાં જતો રહેશે એ વિશે સોશ્યલ મીડિયામાં અફવાઓ ચાલી રહી છે. કહેવાય છે કે રોહિત કેકેઆરમાં જતો રહેવાનો છે. જોકે આ માત્ર અટકળ છે.

આ પણ વાંચો: ‘ ફેરવેલ મૅચ થા’ રોહિત વિશે ગંભીર આવું શૉકિંગ કેમ બોલ્યો?

રોહિતને પચીસ કરોડની ઑફરની અફવા

રોહિતનો નજીકનો મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર અભિષેક નાયર કેકેઆરના હેડ-કોચ તરીકે નિયુકત થયો એને પગલે રોહિત વિશેની કેકેઆરને લગતી અફવા ઉગ્ર બની છે. કેટલાક અહેવાલોમાં તો ત્યાં સુધી જણાવાયું છે કે શાહરુખ ખાનના કેકેઆર ફ્રૅન્ચાઇઝીએ રોહિત શર્માને પોતાનામાં જોડાઈ જવા પચીસ કરોડ રૂપિયા ઑફર કર્યા છે. જોકે આ સંબંધમાં કોઈ જ પુષ્ટિ નથી મળી.

એમઆઇની ` સ્પષ્ટતા’

ઊલટાનું, મુંબઈ ઇન્ડિયન્સે સોશ્યલ મીડિયામાં ખુલાસા તરીકેની પ્રતિક્રિયા આપવી પડી છે. એમઆઇએ ઇન્સ્ટાગ્રામ પરના પોતાના સત્તાવાર હૅન્ડલ પર પ્રતિક્રિયા આપી છે. આ રીઍક્શનમાં એમઆઇએ શાહરુખ ખાનની ટીમના વચ્ચેના અક્ષર (Knight) સહિત ડૉન' ફિલ્મના ડાયલૉગનો ઉલ્લેખ કર્યો છે. પ્રતિક્રિયામાં લખવામાં આવ્યું છે, આવતી કાલે સૂરજ ફરી ઊગશે એ તો નક્કી છે, પરંતુ Knightમાં…મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ.’ અહીં એવું માની શકાય કે એમઆઈએ કેકેઆરને સંકેત આપ્યો છે કે રોહિત અમને છોડીને તમારી પાસે આવશે એવી આશા છોડી દેજો.

આ પણ વાંચો: વજન ઘટાડવા રોહિતે વડાપાંઉ છોડ્યું, દરરોજ એટલા કલાક ટ્રેનીંગ કરી; અભિષેક નાયરે આપી માહિતી

2025માં રોહિતના 418 રન

બે વર્ષ પહેલાં એમઆઇએ રોહિતના સ્થાને હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવ્યો ત્યારથી અટકળો થઈ રહી છે કે રોહિત એમઆઇ છોડીને અન્ય કોઈ ટીમમાં (મોટા ભાગે કેકેઆરમાં) જોડાઈ જશે. જોકે ટૂર્નામેન્ટનો સમય નજીક આવતાં એ અટકળ મંદ પડી જતી હોય છે. દરમ્યાન 2025ની આઇપીએલમાં રોહિતે એમઆઇ વતી 15 મૅચમાં 150.00ના સ્ટ્રાઇક-રેટ સાથે 418 રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button