T20 World Cup : ન્યૂ યોર્કમાં મેદાન પર યુવાન દોડી આવતાં રોહિત શર્માએ પોલીસને ભારપૂર્વક કહ્યું…

ન્યૂ યોર્ક: ક્રિકેટમાં આજકાલ ખેલાડીઓના ચાહકો મેદાન પર દોડી આવવાના કિસ્સા વારંવાર બનવા લાગ્યા છે. એમાં પણ ન્યૂ યોર્ક જેવું ક્રિકેટનું નવુંસવું સ્થળ હોય એટલે સ્વાભાવિક છે કે એવું બને. શનિવારની (ભારતીય સમય મુજબ રવિવાર) જ વાત કરીએ. ન્યૂ યોર્કના ગ્રાઉન્ડ પર ભારત-બાંગ્લાદેશ વચ્ચેની વૉર્મ-અપ મૅચ દરમિયાન રોહિત શર્મા પાસે તેનો એક ચાહક દોડી આવ્યો હતો.
આ ઘટના કેવી રીતે બની અને કેપ્ટન રોહિત શર્માએ પોલીસને બહાર દઈને શું કહ્યું એ વાંચવા જેવું છે એનો વિડીયો પણ જોવા જેવો છે.
ભારતે બાંગ્લાદેશને આ પ્રેક્ટિસ મેચમાં 60 રનથી હરાવ્યું એ પહેલાં ન્યૂ યોર્કના બ્રેન્ડ ન્યૂ સ્ટેડિયમના મેદાન પર એક ચોંકાવનારી અને રસપ્રદ ઘટના બની હતી.
કેપ્ટન રોહિત ફીલ્ડિંગમાં હતો ત્યારે તેનો એક ફેન સલામતી કવચ ભેદીને તેની તરફ મેદાન પર દોડી આવ્યો હતો. થોડી જ વારમાં બે પોલીસ કર્મચારી દોડી આવ્યા એ પહેલાં રોહિતને ભેટવામાં એ યુવાન સફળ થયો હતો.
પોલીસ કર્મચારીઓએ યુવાનને તરત પકડીને તેને હાથકડી પહેરાવી હતી. જોકે યુવાનને કબજામાં લેવા બંને પોલીસે થોડી મહેનત કરવી પડી હતી. નજીકમાં જ ઉભેલા રોહિત શર્માએ પોલીસને વિનંતી કરી હતી કે “મહેરબાની કરીને તમે તેની સાથે સખતાઈથી નહીં વર્તો. તેને કોઈ હાનિ ન થાય એનું પણ ધ્યાન રાખજો.”
આ વિડીયો સોશિયલ મીડિયા પર તરત જ વાઇરલ થઈ ગયો હતો.
રોહિત શર્મા પાસે તેનો ફેન દોડી આવ્યો હોય એવી 2024ના વર્ષની આ ત્રીજી ઘટના છે. વર્ષની શરૂઆતમાં હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ દરમિયાન એક ફેન મેદાન પર દોડી આવ્યો હતો અને રોહિતને પગે લાગ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સની પ્રથમ મેચ દરમિયાન પણ રોહિત સાથે આવી ઘટના બની હતી.
Also Read –