હિટમૅન રોહિત શર્માની અડધી જીત થઈ કહેવાય, ખરુંને?
મુંબઈ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આગામી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી (એસએમએટી) માટે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમને રદ કરવાનો નિર્ણય લીધો છે. બે વર્ષ પહેલાં આ નિયમ આ ટૂર્નામેન્ટમાં જ દાખલ કરવામાં આવ્યો હતો અને પછીથી આઇપીએલમાં લાગુ કરાયો હતો. ‘હિટમૅન’ રોહિત શર્માએ તાજેતરમાં ઇમ્પૅક્ટ પ્લેયરના રુલ વિશે અણગમો વ્યક્ત કર્યો હતો. બીસીસીઆઇએ આઇપીએલની આગામી ત્રણ આઇપીએલમાં આ નિયમ લાગુ રહેશે એવી જાહેરાત પણ કરી છે. જોકે આ નિયમને બાજુ પર રાખવાની થોડી શરૂઆત તો થઈ જ કહેવાય.
ક્રિકેટ બોર્ડે તમામ સ્ટેટ ક્રિકેટ અસોસિયેશનોને સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે ‘બીસીસીઆઇએ આગામી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફી માટે ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ રદ કરવાનું નક્કી કર્યું છે.’
મૅચ દરમ્યાન ઇલેવનમાંથી કોઈ એક ખેલાડીના સ્થાને સબસ્ટિટ્યૂટને (સ્પેશિયલ બૅટર કે બોલરને) રમવા દેવાની છૂટ આપતા ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ વિશે અણગમો વ્યક્ત કરતી વખતે રોહિતે જણાવ્યું હતું કે ‘આ નિયમ લાગુ કરવાથી લોકોને નજીવું મનોરંજન પૂરું પાડી શકાય છે, પરંતુ મારા મતે એનાથી ક્રિકેટની રમતને નુકસાન થતું હોય છે. આ નિયમથી ઑલરાઉન્ડરના ક્ધસેપ્ટનો વિકાસ રુંધાઈ શકે. ક્રિકેટ મૅચ આખરે 11 ખેલાડીઓથી જ રમાવી જોઈએ, 12 ખેલાડીઓથી નહીં.’
આઇપીએલના ઇતિહાસમાં 10માંથી નવ હાઇએસ્ટ ટોટલ આ નિયમ લાગુ થયા પછી નોંધાયા છે. 2024ની આઇપીએલમાં આ નિયમને કારણે 250-પ્લસ ટીમ-ટોટલની ભરમાર જોવા મળી હતી. આ નિયમ ભારતીય ક્રિકેટને લાભકર્તા છે કે નહીં એ વિષયમાં ઘણી ચર્ચા થઈ ચૂકી છે. રોહિત શર્મા આ નિયમથી નારાજ છે, પરંતુ મોટા ભાગના ફ્રૅન્ચાઇઝી આ નિયમની તરફેણમાં છે.
જોકે સૌરાષ્ટ્રના હેડ-કોચ નીરજ ઓડેદરાએ બીસીસીઆઇના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે ‘આ બહુ સારો ફેરફાર કરાયો છે. આઇસીસીની પોતાની મોટી ટૂર્નામેન્ટોમાં આ નિયમ છે જ નહીં. એ જોતાં ડોમેસ્ટિક સીઝનમાંથી સફળ થઈને ભારત વતી રમવા માગતા ખેલાડીઓ માટે આ નિર્ણય સારો કહેવાય.’
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે મે મહિનામાં જણાવ્યું હતું કે ‘આઇપીએલમાં ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ પ્રાયોગિક ધોરણે છે. આ નિયમ કાયમી નથી અને હું એમ પણ નથી કહેતો આ નિયમને કાઢી નાખવામાં આવશે.’