શ્રીલંકા સામે સિરીઝમાં હાર છતાં ICC રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો, આ બેટ્સમેન નં.1 પર
નવી દિલ્હી: શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મેચની ODI સિરીઝમાં ભારતની 0-2 થી હાર થઇ હતી, જયારે એક મેચ ટાઈ રહી હતી. સિરીઝ દરમિયાન ભારતીય બેટ્સમેનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જોકે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharm) એ સારું પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝ બાદ ICC દ્વારા નવી રેન્કિંગ (ICC ODI Ranking) જાહેર કરવામાં આવી છે. જેમાં રોહિત શર્માને ફાયદો થયો છે. જોકે, ભારતના વાઇસ કેપ્ટન શુભમન ગિલ(Shubhman Gill)ને સામાન્ય નુકસાન થયું છે.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં પાકિસ્તાનનો બાબર આઝમ(Babar Azam) પ્રથમ સ્થાને રહ્યો છે. બાબર આઝમનું રેન્કિંગ અત્યારે 824 છે. રોહિત શર્મા એક સ્થાન ઉપર આવીને બીજા ક્રમે પહોંચી ગયો છે. રોહિતનું રેટિંગ હવે વધીને 765 થઈ ગયું છે. આ દરમિયાન શુભમન ગિલને એક સ્થાનનું નુકસાન થયું છે, તે બીજાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ ઘટીને 763 થઈ ગયું છે. એટલે કે રોહિત અને શુભમન લગભગ બરાબરી પર છે.
ભારતનો વિરાટ કોહલી(Virat Kohli) હવે ચોથા નંબર પર છે. જોકે તેના રેટિંગમાં થોડો ઘટાડો થયો છે, કોહલીનું રેટિંગ હવે 746 પર પહોંચી ગયું છે. આયર્લેન્ડના હેરી ટેક્ટર(Harry Tector)નું પણ આ જ રેટિંગ છે, તે કોહલી સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ (Daryl Mitchell) 728 રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર યથાવત છે. ડેવિડ વોર્નર (David Warner) 723 રેટિંગ સાથે સાતમા નંબર પર યથાવત છે. શ્રીલંકાના પથુમ નિસાન્કા(Pathum Nissanka)ને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 708 રેટિંગ સાથે આઠમા નંબર પર આવી ગયો છે.
આ પણ વાંચો : તો શું કોહલીને પગલે રોહિત શર્મા પણ ઇન્ડિયાને કરશે બાય બાય!
ઈંગ્લેન્ડના ડેવિડ મલાન(Dawid Malan)ને એક સ્થાનનું નુકસાન થયું છે, 707 રેટિંગ સાથે મલાન નવમા નંબરે આવી ગયો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો રોસી વેન્ડર ડ્યુસેન ( Rassie van der Dussen) 701 રેટિંગ સાથે 10માં નંબર પર છે.
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લાંબા સમય સુધી કોઈ વનડે મેચ રમવાના નથી. આવી સ્થિતિમાં, તેના ODI રેટિંગમાં હાલમાં કોઈ ફેરફાર થશે નહીં. અન્ય ટીમના ખેલાડીઓ રમશે તેના રેટિંગ પર તેની શું અસર પડે છે તે જોવું રહ્યું.