હિટમૅન રોહિત મેદાન પર જવાનો રસ્તો જ ભૂલી ગયો!
બેન્ગલૂરુ: કૅપ્ટન રોહિત શર્મા થોડો ભૂલકણો છે એ સૌ કોઈ જાણે છે અને તેની ભૂલ વિશેના વીડિયો હસાવી દે એવા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. વાત એવી છે કે હિટમૅન રોહિત ડ્રેસિંગ-રૂમમાંથી આવીને મેદાન તરફનો રસ્તો ભૂલી ગયો હતો.
ન્યૂ ઝીલૅન્ડ સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં ભારતીય ટીમ ફક્ત 46 રનના (ઘરઆંગણાના) લોએસ્ટ સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. રોહિત 12 બૉલમાં બે રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. બીજા દાવમાં તેણે હાફ સેન્ચુરી (63 બૉલમાં બાવન રન) ફટકારી, પણ કિવીઓ 356 રનની તોતિંગ સરસાઈ લઈ ચૂક્યા હોવાથી ભારતને માથે પરાજય તોળાતો હોવાની ચિંતા શુક્રવારે અને શનિવારે બપોર સુધીમાં દરેક ભારત-તરફી ક્રિકેટપ્રેમીને સતાવી હશે.
શુક્રવારે વિકેટકીપર રિષભ પંતે સર્જરીવાળા જમણા ઘૂંટણ પરની ઈજાને કારણે ફીલ્ડિંગ નહોતી કરી અને તેના સ્થાને ધ્રુવ જુરેલને સ્ટમ્પ્સ પાછળની જવાબદારી માટે બોલાવવામાં આવ્યો હતો.
અહીં જે વીડિયોની વાત થઈ રહી છે એ ગુરુવારની છે. 46 રનના રકાસ બાદ એક તબક્કે ભારતીય ખેલાડીઓ મેદાન પર જઈ રહ્યા હતા ત્યારે ચિંતાજનક હાલતમાં કંઈક વિચારતો-વિચારતો રોહિત મેદાન તરફ જવાનો રસ્તો ભૂલી ગયો હતો. તે ખેલાડીઓએ પૅવિલિયનમાંથી બહાર આવીને ગ્રાઉન્ડ પર સામાન્ય રીતે જે રસ્તે જવાનું હોય એને બદલે રોહિત સાઇટ-સ્ક્રીનની પાછળથી મેદાન પર પ્રગટ થયો હતો. સાઇટ-સ્ક્રીનની બીજી બાજુ પર દોડી આવેલા રિષભ પંતે રોહિતને બૂમ પાડીને કહ્યું પણ હતું કે મેદાન પર જવાનો આ રસ્તો નથી. જોકે રોહિતે તેનું કહેવું અવગણ્યું હતું. રોહિત કદાચ નજીકના પ્રેક્ષકોના ચિયર-અપ વચ્ચે થોડી ગડમથલમાં હશે એટલે ત્યાંથી જ આગળ વધ્યો હતો અને મેદાન પર પહોંચી ગયો હતો.