T20 World Cup : અમારે આયરલૅન્ડ સામે કઈ પિચ પર રમવાનું છે એ તો કહો!: રોહિત શર્મા

ન્યૂ યૉર્ક: બેઝ બૉલ, બાસ્કેટબૉલ, ફૂટબૉલ, ટેનિસ, વગેરે રમતોના ક્રેઝી અમેરિકામાં પહેલી વાર ક્રિકેટની સૌથી મોટી સ્પર્ધા (ટી-20 વર્લ્ડ કપ) રમાઈ રહી છે એટલે આયોજનમાં કે વહીવટમાં નાની-મોટી ભૂલ કે ક્ષતિ થાય એ સમજી શકાય, પણ મૅચના આગલા દિવસ સુધી ટીમના કૅપ્ટનને જાણ ન કરવામાં આવે કે તેના ખેલાડીઓએ કઈ પિચ પર રમવાનું છે એ તો હદ કહેવાય. આજની મૅચ પહેલાં છેક ગઈ કાલ (મંગળવાર સુધી) ભારતીય કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને જાણ નહોતી કરાઈ કે ટીમ ઇન્ડિયાએ આયરલૅન્ડ સામે કઈ પિચ પર રમવાનું છે.
ન્યૂ યૉર્કમાં નૅસોઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બૅટર્સ માટે ક્રીઝ પર ટકવું કે રન બનાવવા મુશ્કેલ થઈ જાય એવી પિચ બનાવવામાં આવી છે. સોમવારે આ મેદાન પર સાઉથ આફ્રિકા સામે શ્રીલંકા 77 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. વધુ નવાઈની વાત એ છે કે શ્રીલંકાના બૅટર્સ એ 77 રન બનાવવા 19.1 ઓવર લીધી હતી. ત્યાર બાદ સાઉથ આફ્રિકા (80/4)એ ચેઝ હાંસલ કરવા 16.2 ઓવર સુધી ખેંચાવું પડ્યું હતું. ગયા બુધવારે બાંગ્લાદેશ સામેની વૉર્મ-અપ મૅચમાં ભારતીય બૅટર્સે પણ ન્યૂ યૉર્કની સ્લો પિચ પર શરૂઆતમાં થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ ભારતનો સ્કોર 180 રનને પાર પહોંચાડ્યો હતો. બાંગ્લાદેશનો સૌથી અનુભવી ખેલાડી શાકિબ અલ હસને પણ એ જ પિચ પર બાઉન્ડરીઝ ફટકારવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો અને પછી ભારતીયોએ બાંગ્લાદેશની આગેકૂચને 122 રન પર થંભાવીને 60 રનના મોટા માર્જિનથી વિજય મેળવી લીધો હતો.
આ પણ વાંચો : T20 World Cup : ન્યૂ યોર્કમાં મેદાન પર યુવાન દોડી આવતાં રોહિત શર્માએ પોલીસને ભારપૂર્વક કહ્યું…
જોકે ભારતીય ટીમે ન્યૂ યૉર્કના આ જ મેદાન પર કઈ પિચ પર રમવાનું એની ટીમને મંગળવાર સુધી જાણ નહોતી કરવામાં આવી. રોહિતે મંગળવારે સાંજે પત્રકારોને કહ્યું, ‘આ મેદાન પર ચાર પિચ છે. જોકે અમારે ચારમાંથી કઈ પિચ પર રમવાનું છે એ અમને હજી સુધી નથી જણાવાયું. અમારે જેના પર રમવાનું છે એ પિચ બૅટિંગ માટે સારી છે કે નહીં એની જ અમને ખબર નથી. જોકે અમારે સ્થિતિને અનુકૂળ થઈ જવું પડશે.’
ન્યૂ યૉર્કના મેદાનના આઉટફીલ્ડ વિશે પણ ખેલાડીઓને ચિંતા થઈ રહી છે. જો કોઈ બૅટર ઊંચો શૉટ મારે અને બૉલ બાઉન્ડરી લાઇનની નજીકના આઉટફીલ્ડમાં પડે તો બૉલ કઈ તરફ જશે એ ફીલ્ડર નક્કી ન કરી શકે, બૉલ ટર્ન લઈને ક્યાંય પણ જતો રહે.