સ્પોર્ટસ

રોહિત શર્માએ સુનીલ ગાવસકર વિરુદ્ધ બીસીસીઆઇમાં ફરિયાદ કરી, જાણો શા માટે…

મુંબઈઃ તાજેતરમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં મોડા (પર્થની પ્રથમ ટેસ્ટ બાદ) પહોંચેલા અને સિરીઝની પાંચ ઇનિંગ્સમાં કુલ મળીને ફક્ત 31 રન બનાવનાર રોહિત શર્મા નબળા બૅટિંગ પર્ફોર્મન્સ બદલ ટીકાકારોનું નિશાન બન્યો હતો, ભારત એક પછી એક ટેસ્ટ હારી જતાં તેની કૅપ્ટન્સી પણ ચર્ચાસ્પદ થઈ હતી અને તેને નિશાન બનાવનાર વિવેચકોમાં ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરનો પણ સમાવેશ હતો જેમની સામે રોહિતે બીસીસીઆઇમાં ફરિયાદ કરી હોવાનું મનાય છે.

રોહિત શર્માની પત્ની રિતિકાએ ડિસેમ્બરમાં બાળકને જન્મ આપ્યો હતો અને રોહિત એ અરસામાં તેની પડખે રહ્યા બાદ (પૅટરનિટી લીવ પૂરી કર્યા બાદ) ઑસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો અને ઍડિલેઇડની બીજી ટેસ્ટથી રમ્યો હતો. ગાવસકરે ત્યારે રોહિતની ટીકામાં ઘણી ટિપ્પણીઓ કરી હતી. સનીએ ખાસ કરીને રોહિતના બૅટિંગને લગતા અભિગમ અને કૅપ્ટન તરીકેની અસરકારકતા સામે આંગળી ચીંધી હતી. રોહિત સિડનીની પાંચમી ટેસ્ટમાં નહોતો રમ્યો એ વિશે પણ ગાવસકરે ટિપ્પણી કરી હતી અને રેડ-બૉલ ક્રિકેટ (ટેસ્ટ-ક્રિકેટ)માં તેના ભાવિ વિશે અનિશ્ચિતતા બતાવી હતી. ટીમના હિતમાં કૅપ્ટન્સીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો હોવાનું પણ ગાવસકરે ત્યારે એક મુલાકાતમાં જણાવ્યું હતું. જોકે એક ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ ગાવસકરની આ ટિપ્પણીઓથી રોહિત શર્મા નારાજ છે અને આ વિશ્લેષણ ઠીક નથી એવા અભિપ્રાય સાથે તેણે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)માં ગાવસકર વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું મનાય છે.

Also read: રોહિત શર્માએ નિવૃત્તિ પર કરી સ્પષ્ટતા, કહ્યું કે…..

રોહિતે એવું જણાવ્યું હોવાનું પણ મનાય છે કે સિરીઝમાં તેના નબળા પર્ફોર્મન્સ માટે કેટલાક બાહ્ય પરિબળો પણ જવાબદાર હતા. આ આખા કિસ્સાને બારીકાઈથી જોનાર એક સૂત્રના જણાવ્યા મુજબ `રોહિતનું એવું માનવું છે કે સુનીલ ગાવસકરે તેની આ રીતે ટીકા કરી એ ઠીક ન કહેવાય અને એટલે જ તેણે ગાવસકર વિરુદ્ધ બીસીસીઆઇમાં ફરિયાદ કરી છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button