રોહિત શર્માના છેલ્લા છ મહિનામાં બે ગોલ્ડન પિરિયડ, પણ બૅટિંગ અને કેપ્ટન્સીમાં જોરદાર પતન
સિડની: ભારતના એક સમયના સર્વોત્તમ બૅટર રોહિત શર્માની કેપ્ટન્સી તેમ જ ટેસ્ટ ટીમમાં તેનું સ્થાન હાલમાં હાલકડોલક છે અને છેલ્લા છ મહિનાની વાત કરીએ તો તેની કરીઅરમાં જબરદસ્ત અપ અને ડાઉન જોવા મળ્યા છે. જૂન 2024ના અંતમાં રોહિતના ઉત્કૃષ્ટ સુકાનમાં અને રાહુલ દ્રવિડના શાનદાર કોચિંગમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો, ટી-20 ઇન્ટરનેશનલમાંથી તેણે ત્યારે તરત જ નિવૃત્તિ લઈ લીધી હોવાથી જુલાઈમાં પરિવાર સાથે તેણે ગોલ્ડન પિરિયડ માણ્યો હતો. જોકે પછીથી બૅટર તરીકે મેદાન પર તેની પડતી શરૂ થઈ હતી જે હજી સુધી ચાલી રહી છે. સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે, ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂ ઝીલેન્ડ સામે અને હવે ઓસ્ટ્રેલિયા સામે બૅટિંગમાં તે તદ્દન ફ્લૉપ રહ્યો છે.
નવેમ્બરના અંતમાં રોહિતનો ફરી ટૂંકો સુવર્ણ કાળ શરૂ થયો હતો. તે પૅટરનિટી લીવ પર ઊતરી ગયો હતો, પત્ની રિતિકાએ બીજા બાળકને (પુત્રને) જન્મ આપ્યો હતો અને રોહિતે ઘરમાં હાથમાં નવજાત પુત્રને લઈને ટીવી પર ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટની શરૂઆતની રમત નિહાળી હતી. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહના સુકાનમાં ભારતે એ ટેસ્ટ જીતીને સિરીઝના શ્રીગણેશ કર્યાં હતા.
રોહિતે એ ટેસ્ટના આરંભના ત્રીજા દિવસની રમતનો સ્કોર ઑસ્ટ્રેલિયા આવતી વખતે પ્લેનમાં વાઈ-ફાઈની મદદથી મેળવ્યો હતો. જોકે ઑસ્ટ્રેલિયા આવ્યા બાદ રોહિતની બાકી રહેલી કારકિર્દીનું પતન શરૂ થઈ ગયું જે હાલ સુધી ચાલે છે.
રોહિત ઑસ્ટ્રેલિયા ખાતેના આ પ્રવાસ બાદ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ લેશે એવા અહેવાલો વચ્ચે હાલમાં તો એવી હાલત છે કે શુક્રવાર, ત્રીજી મેએ સિડનીમાં શરૂ થનારી શ્રેણીની અંતિમ ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઈવ)માં તે રમતો જોવા મળશે કે કેમ એમાં પણ શંકા છે.
Also read: રોહિત શર્માએ કહ્યું, `શમી માટે ટીમનો દરવાજો ખુલ્લો છે, પરંતુ તેના ઘૂંટણ પર…’
રોહિત એડિલેઇડ, બ્રિસબેન અને મેલબર્નની ટેસ્ટમાં સદંતર ફ્લૉપ રહ્યો હતો. રોહિતનું ક્યારેક શૉટ સિલેક્શન ખરાબ હતું તો ક્યારેક તેના ફૂટવર્ક ઠીક નહોતા તો ક્યારેક હરીફ બોલરે તેના નિરાશાજનક ચહેરાના હાવભાવનો ફાયદો ઉઠાવ્યો હતો. દરેક ખેલાડીની કારકિર્દીમાં ખરાબ તબક્કો આવે જ, પણ એપ્રિલમાં 38 વર્ષના થનારા રોહિતની 12 વર્ષની ટેસ્ટ કરીઅરનો અંત નજીક છે એ કોઈ જ ન નકારી શકે. ઓપનિંગમાં રોહિતનું સ્થાન લેવા કેએલ રાહુલ અને કેપ્ટન્સી સંભાળવા જસપ્રીત બુમરાહ તૈયાર છે .
રોહિતની આંકડાબાજી પર એક નજર…
(1) રોહિતે 67 ટેસ્ટના 116 દાવમાં 12 સેન્ચુરી, 18 હાફ સેન્ચુરીની મદદથી 4,301 રન બનાવ્યા છે. 212 રન તેનો હાઈએસ્ટ સ્કોર છે અને 40.57 તેની સાધારણ બૅટિંગ-એવરેજ છે.
(2) રોહિત વન-ડેનો મહારથી છે. 264 રન તેનો વર્લ્ડ રેકોર્ડ છે અને વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી (264, 209, 208*) પણ તેનો વિશ્વ વિક્રમ છે.
(3) રોહિત છેલ્લી 15માંથી માત્ર બે ટેસ્ટ ઇનિંગ્સમાં 40 બૉલ રમી શક્યો છે: સોમવારે મેલબર્નમાં બીજા દાવમાં 40 કે વધુ બૉલમાં નવ રન અને ઑક્ટોબરમાં બેંગ્લૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામે બીજા દાવમાં 63 બૉલમાં બાવન રન.
(4) છેલ્લી 15 ટેસ્ટ ઇનિંગ્સમાં રોહિતની ફક્ત એક હાફ સેન્ચુરી છે, એક ઝીરો છે અને નવ વખત તેના સિંગલ ડિજિટમાં રન છે.
(5) ઑસ્ટ્રેલિયા ખાતેના વર્તમાન પ્રવાસમાં રોહિત ત્રણ ટેસ્ટના જે પાંચ દાવ રમ્યો એમાં તેના સ્કોર્સ આ મુજબ રહ્યા: 3, 6, 10, 3, 9.