રોહિતે હિન્દુસ્તાનને 16 વર્ષ આપ્યા, આપણે તેને એક વર્ષ પણ ન આપ્યું: મોહમ્મદ કૈફ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રોહિતે હિન્દુસ્તાનને 16 વર્ષ આપ્યા, આપણે તેને એક વર્ષ પણ ન આપ્યું: મોહમ્મદ કૈફ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં પીઢ ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma)ની કેપ્ટન્સી વગરનો નવો યુગ શરૂ થયો છે જેમાં હવે શુભમન ગિલ ટેસ્ટ ઉપરાંત વન-ડેમાં પણ સુકાન સંભાળશે, પરંતુ રોહિતને કેપ્ટનપદેથી હટાવી દેવાના સિલેકટરોના નિર્ણયથી ઘણાને આંચકો લાગ્યો છે. મોહમ્મદ કૈફે (Mohammed Kaif) પસંદગીકારોની ટીકા કરી છે.

બે વર્ષ પહેલાં જયારે પાંચ ટાઈટલ અપાવવા છતાં રોહિતને અચાનક મુંબઈ ઇન્ડિયન્સના સુકાનીપદેથી હટાવીને હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારે એ નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી.

આપણ વાંચો: રોહિત શર્મા પાસેથી વન-ડેની કૅપ્ટન્સી કેમ આંચકી લેવામાં આવી?

આ વખતે રોહિતે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી અને માત્ર છ મહિનામાં તેની પાસેથી વન-ડેનું સુકાન આંચકી લેવામાં આવ્યું.

ચીફ સિલેકટર અજિત આગરકરે કહ્યું છે કે ‘ અમે 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અને શુભમન ગિલ એ મોટી ટૂર્નામેન્ટ માટે અત્યારથી કેપ્ટન તરીકે પ્લાનિંગ કરી શકે એ અમે ખાસ ધ્યાનમાં રાખ્યું હતું.’

રોહિત 38 વર્ષનો થઈ ગયો છે અને તે બે વર્ષ પછીના વન-ડે વર્લ્ડ કપમાં રમશે કે નહીં એ વિશે શંકા છે. હા, વિરાટ કોહલી હજી ઘણો ફિટ છે અને તે આગામી વર્લ્ડ કપ સુધી રમતો રહેશે એવી ખાતરી છે.

આપણ વાંચો:  શર્મા અને વિરાટ કોહલીના કમબૅક વિલંબમાં?

જોકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફનું કહેવું છે કે ‘ રોહિત શર્માને હિન્દુસ્તાન કો 16 સાલ દિયે લેકિન હમ ઉન કો એક સાલ ભી નહી દે પાયે. તે આઇસીસી ઈવેન્ટ્સમાં કેપ્ટન તરીકે કુલ 16માંથી 15 મૅચ જીત્યો છે અને એક જ હાર્યો છે.

એ એકમાત્ર પરાજય 2023ની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં હતો. 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી મૅચ હતી દુબઈમાં અને એમાં રોહિત શર્મા મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. 2024ના વર્લ્ડ કપમાં ભારતે તેની કેપ્ટન્સીમાં ટી -20નો વર્લ્ડ કપ જીતી લીધો હતો. જોકે ભારતની ટી-20 ટીમમાં યુવાન ખેલાડીને લઈ શકાય એ માટે તેણે મોટું મન રાખીને એ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

હિન્દુસ્તાનમાં ક્રિકેટરો મોટે ભાગે પોતાને જ્યાં સુધી હટાવવામાં ન આવે ત્યાં સુધી કરીઅર ખેંચતા રહેતા હોય છે, પરંતુ રોહિત શર્મા એવું નથી કરી રહ્યો. તેણે ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લઈ લીધી છે.’

મોહમ્મદ કૈફનું એવું કહેવું છે કે રોહિત શર્માએ કરીઅરના શાનદાર 16 વર્ષ ભારતને આપ્યા, પરંતુ તેણે આઠ મહિનામાં દેશને બે ટ્રોફી અપાવી છતાં તેને અચાનક કેપ્ટનપદેથી દૂર કરી નાખવામાં આવ્યો.’

શુભમન ગિલને ટેસ્ટ પછી હવે વન-ડે ટીમની કેપ્ટન્સી પણ સોંપવામાં આવી છે. શુભમન વિશે મોહમ્મદ કેફે કહ્યું હતું કે ‘ શુભમન યુવા હૈ, નયે હે, અચ્છે કપ્તાન બન સકતે હૈ. પર હર ચીઝ મેં છપ્પડફાડ કે દેને કી ક્યા આવશ્યકતા હૈ.?’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button