હાર્દિક નહીં આ ખેલાડી કરશે ટી-20 વિશ્વ કપમાં ભારતની કપ્તાની

BCCI સેક્રેટરી જય શાહ હાલમાં ખંડેરીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. અહીં એક કાર્યક્રમમાં તેમણે રોહિત શર્માને T20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો હતો. T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ પાસે રહેશે.
ભારત પાસે ટી-20 જેવી ટૂંકી ફોર્મેટમાં હાર્દિક પંડ્યાને કપ્તાની સોંપવામાં આવે છે, પણ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે નિરાશાજનક હાર બાદ રોહિત શર્માને T20ની જવાબદારી સોંપવામાં આવી છે.
“અમદાવાદમાં 2023ની ટી-20ની ફાઇનલમાં આપણે સતત 10 જીત બાદ ભલે ફાઇનલ જીતી શક્યા નહીં, પણ આપણે લોકોના દિલ તો જીતી જ લીધા હતા.
હું તમને વચન આપવા માંગુ છું કે 2024ના T20 વર્લ્ડ કપમાં બાર્બાડોસ ખાતે રમાનારી ફાઇનલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ આપણે જીત હાંસલ કરીને ભારતનો ધ્વજ લહેરાવીશું,” એમ જય શાહે અહીં જણાવ્યું હતું.
જય શાહે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે અને આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલ જેવા મહાનુભાવો સમક્ષ આ વાત કરી હતી. વર્તમાન મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, રોહિત, મોહમ્મદ સિરાજ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ટી-20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર થઇ ગયું છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 1 જૂને ટેક્સાસમાં અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચથી થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ન્યૂયોર્કમાં મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ 25 અને 27 જૂને રમાશે અને ફાઈનલ મેચ 29 જૂને રમાશે. ગ્રુપ સ્ટેજની મેચો 1 થી 18 જૂન સુધી રમાશે જ્યારે સુપર 8ની મેચો 19 થી 24 જૂન સુધી રમાશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર 8માં સ્થાન મેળવશે. સુપર 8 ના દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. વેસ્ટ ઈન્ડિઝના છ અને અમેરિકાના ત્રણ સ્ટેડિયમમાં કુલ 55 મેચ રમાશે.
 
 
 
 


