ટી-20 અને વન-ડે ના ચેમ્પિયન કેપ્ટન રોહિતને ટેસ્ટમાં મળ્યું જીવતદાન, જાણો કેવી રીતે…

મુંબઈ: ગયા વર્ષે ભારતને ટી-20 વર્લ્ડ કપ જિતાડી આપ્યા પછી હવે વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી અપાવનાર રોહિત શર્માની ટેસ્ટ કરીઅર હાલકડોલક છે, પણ તેના માટે અને તેના કરોડો ચાહકો માટે બીસીસીઆઈ તરફથી શુભ સંકેતો મળી રહ્યા છે. સારા સમાચાર એ છે કે ‘હિટમૅન’ રોહિતને ટેસ્ટ ક્રિકેટમાં હાલપૂરતું જીવતદાન મળ્યું છે.
Also read : સવા છ કરોડના હૅરી બ્રૂક પર બીસીસીઆઇનો પ્રતિબંધ, બ્રિટિશ બોર્ડને ‘ચેતવણી’
ખરેખર તો ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 0-3થી થયેલા પરાજય અને ત્યાર બાદ ઑસ્ટ્રેલિયામાં 1-4થી પહેલી હારને પગલે રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કરીઅર જ જોખમમાં મુકાઈ ગઈ હતી. જોકે ટી-20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂકેલા રોહિતે રવિવારે દુબઈમાં બૅટિંગમાં સારું પર્ફોર્મ કરવા ઉપરાંત કેપ્ટન તરીકે ભારતને વિક્રમજનક ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી એ સાથે હવે તેની ટેસ્ટ કારકિર્દી પણ સચવાઈ ગઈ છે એવું બીસીસીઆઈના સંકેતો પરથી સ્પષ્ટ થાય છે.
એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ખુદ રોહિત ટેસ્ટ કારકિર્દી ચાલુ રાખવા માગે છે અને ક્રિકેટ બોર્ડ પણ ઈચ્છે છે કે આઈપીએલ પછી પાંચ ટેસ્ટ માટે ભારતની જે ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે જાય એનું નેતૃત્વ પણ રોહિત જ સંભાળે.
બીસીસીઆઈ સાથે સંકળાયેલા એક સૂત્રએ આ દૈનિકને જણાવ્યું હતું કે રોહિત શર્માએ બતાવી આપ્યું છે કે પોતાનામાં હજી પણ બૅટર તરીકે તેમ જ કેપ્ટન તરીકે કેટલી ક્ષમતા છે. ક્રિકેટ બોર્ડ પણ ઈચ્છે છે કે ઇંગ્લૅન્ડ ખાતેના જૂન મહિનાના પ્રવાસમાં ભારતની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળી શકે એ માટે રોહિત જ સૌથી યોગ્ય દાવેદાર છે.
એવું કહેવાય છે કે અજિત આગરકર અને તેના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટી પણ હવે પછી ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરવાનો સમય આવે ત્યારે રોહિતનું જ નામ આગળ કરશે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ કેપ્ટન તરીકે બહુ સારો દાવેદાર છે, પણ તેની ફિટનેસ સતત સારી ન રહેતી હોવાથી ક્રિકેટ બોર્ડ હવે તેના પર કેપ્ટન્સીનો પણ બહુ જ નાખવા નથી ઈચ્છતું એવું મનાય છે.
Also read : ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’
કેએલ રાહુલ વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું રમ્યો એટલે આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે તેનું નામ આગળ આવી શકે એમ છતાં હાલમાં એવા કોઈ સંકેતો નથી જણાતા અને રોહિત શર્માને જ ટેસ્ટના કેપ્ટનપદે જાળવી રાખવામાં આવશે એવું સંભળાય છે.