ઑસ્ટ્રેલિયામાં ફરી રમવા ન પણ આવુંઃ રોહિત શર્મા

સિડનીઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બૅટિંગ-લેજન્ડ રોહિત શર્મા (121 અણનમ)એ શનિવારે સિડની ગ્રાઉન્ડ પર અવિસ્મરણીય ઇનિંગ્સ રમીને ભારતને વિજય અપાવ્યો અને ટીમનો વાઇટવૉશ થતા રોક્યો ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે હવે પછી ખેલાડી તરીકે તે ઑસ્ટ્રેલિયા પાછો કદાચ ન પણ આવે.
વિરાટ કોહલી (74 અણનમ) પણ ઑસ્ટ્રેલિયામાં કદાચ છેલ્લી વાર રમ્યો. રોહિત (Rohit)ની જેમ વિરાટ (virat) પણ ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. હવે પછીનો ઑસ્ટ્રેલિયા ખાતેનો ટીમ ઇન્ડિયાનો વન-ડે પ્રવાસ લાંબા સમય પછી યોજાશે અને ત્યારે ટીમમાં આ બન્ને દિગ્ગજો હશે કે કેમ એમાં શંકા છે. વન-ડેના વર્લ્ડ કપને હજી બે વર્ષની વાર છે.
આપણ વાંચો: રોહિત શર્મા ‘ન્યૂ લૂક’માં, ક્રિકેટરોના સમારોહમાં છવાઈ ગયો
વિરાટે વાંકા વળીને સિડનીની ભૂમિને કર્યા નમન
સિડનીમાં કૅપ્ટન શુભમન ગિલની વિકેટ બાદ વિરાટ કોહલી બૅટિંગમાં આવ્યો હતો. તે ડ્રેસિંગ-રૂમમાંથી ઊતરી રહ્યો હતો ત્યારે હજારો પ્રેક્ષકોએ તેને સ્ટૅન્ડિંગ ઑવેશન આપ્યું હતું. વિરાટે મેદાન પર ઊતરતાં જ ભૂમિને નમન કર્યું હતું અને પિચ તરફ આગળ વધ્યો હતો. તે સિરીઝની પહેલી બન્ને મૅચમાં શૂન્યમાં આઉટ થયો હતો. જોકે શનિવારે શ્રેણીની અંતિમ વન-ડેમાં તેણે પ્રથમ રન કર્યો ત્યારે ખુદ વિરાટે આનંદ વ્યક્ત કર્યો હતો તેમ જ અસંખ્ય પ્રેક્ષકોએ તાળી પાડીને તેનો એ બહુમૂલ્ય રન વધાવી લીધો હતો. પછી તો તેણે બીજા 73 રન કરીને 74 રને અણનમ રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયામાં રમવું હંમેશાં ગમ્યું છે
રોહિત-વિરાટે 168 રનની અતૂટ ભાગીદારીથી ભારતને વિજય અપાવ્યો હતો. રોહિતે મૅન ઑફ ધ મૅચ અને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર સ્વીકાર્યા પછી કહ્યું, ` અહીં ઑસ્ટ્રેલિયા આવવું અને રમવું મને હંમેશાં ગમ્યું છે.
અહીં રમવું ક્યારેય સરળ નથી રહ્યું. 2008ની સાલના પ્રવાસની ક્ષણેક્ષણ મને યાદ છે. હું ફરી ખેલાડી તરીકે ઑસ્ટ્રેલિયા પાછો આવીશ કે નહીં એ ખાતરીથી કહી ન શકું. જોકે અહીં અમને ભલે ગમે એવી પ્રશંસા મળે, અમે અહીં ક્રિકેટ રમવાનો ભરપૂર આનંદ માણતા હોઈએ છીએ.’

આપણ વાંચો: રોહિત શર્માએ ખરીદી નવી ટેસ્લા કાર, જાણો નંબર પ્લેટનું સિક્રેટ?
અમે સિનિયરો પાસેથી શીખ્યા, હવે અમે યુવાનોને શીખવીએ છીએ
રોહિતે વિરાટ સાથેની ક્રિકેટ સફરની વાત કરતા અને ઑસ્ટ્રેલિયા ખાતેના સંઘર્ષભર્યા પ્રવાસની શરૂઆતની વાત કરતા કહ્યું, ` અમે પર્થમાં સાથે સફર શરૂ કરી હતી. અમે આ સિરીઝ જીતી ન શક્યા, પણ ઘણી સકારાત્મક બાબતો અમે મેળવી છે. વન-ડે ટીમ હજી ઘણી યંગ છે અને ખેલાડીઓ રમતા જશે એમ ઘણું નવું શીખતા જશે. હું આ ટીમમાં નવો આવ્યો ત્યારે સિનિયર ખેલાડીઓ પાસેથી ઘણું શીખ્યો હતો.
તેમણે મને ઘણી મદદ કરી હતી. હવે એ ભૂમિકા અમારે ભજવવાની છે. અમે યુવાન ટીમને માર્ગદર્શન આપીશું, નવા ગેમ પ્લાન બનાવીશું. અહીં હું જ્યારે પણ રમ્યો છું ત્યારે મેં બૅઝિક્સ પર ખાસ ધ્યાન આપ્યું છે. આ બધુ અમે ટીમના યુવાન ખેલાડીઓને શીખવીશું.’

આપણ વાંચો: રોહિત શર્મા પાસેથી વન-ડેની કૅપ્ટન્સી કેમ આંચકી લેવામાં આવી?
વિરાટે ઑસ્ટ્રેલિયામાંના ચાહકો વિશે શું કહ્યું?
બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે શુક્રવારે જ કહ્યું હતું કે વિરાટ સરળતાથી હાર માની લે એવો નથી. તે પોતાની સ્ટાઇલમાં નિવૃત્તિ લેશે.’ શનિવારે વિરાટે અણનમ 74 રન કરીને ભારતની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વિરાટે મૅચ પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ક્રિકેટમાં મને દરેક તબક્કે કંઈક નવું શીખવા મળ્યું. પિચ પર પહોંચીને ખેલાડીનો અપ્રોચ બદલાઈ જાય અને તેનામાંથી શ્રેષ્ઠ ક્ષમતા અને કાબેલિયત બહાર આવે.
હાલમાં બૅટિંગમાં જોડીમાં અમે (હું અને રોહિત) સૌથી અનુભવી છીએ. અમે જોડીમાં રમીએ ત્યારે પરિસ્થિતિને પારખીને એ મુજબ રમીએ છીએ. 2013માં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની શરૂઆતથી અમારા બન્નેનો અભિગમ એવો રહ્યો છે કે જો અમે મોટી ભાગીદારી કરતા રહીશું તો ટીમને જિતાડવામાં ઘણી મદદરૂપ થતા રહીશું. અમને આ દેશમાં આવવું હંમેશાં ગમ્યું છે. અહીં મોટી સંખ્યામાં આવીને અમને સપોર્ટ આપવા બદલ હું ક્રિકેટચાહકોનો આભાર માનું છું.’



