ભૂતપૂર્વ કૅપ્ટનની ઓવલના સ્ટૅન્ડમાં પધરામણી થઈ…વાતાવરણ ખુશનુમા થઈ ગયું!

લંડનઃ અહીં ધ ઓવલ ગ્રાઉન્ડ પર ભારતીય બોલર્સે શુક્રવારે ઇંગ્લૅન્ડ (England)ને 247 રન સુધી સીમિત રાખ્યા અને ફક્ત 23 રનની લીડ લેવા દીધી ત્યાર બાદ હવે ભારતીય બૅટિંગ લાઇન-અપ બ્રિટિશ બોલર્સની ખબર લઈ રહી છે જેમાં ભારતે (India) લંચના બ્રેક સુધીમાં ત્રણ વિકેટે 189 રન કર્યા અને ટીમ ઇન્ડિયા 166 રનથી આગળ થઈ ગઈ એને કારણે ભારતીય ડ્રેસિંગ-રૂમમાં આનંદિત વાતાવરણ છે અને એવામાં ઓવલ (Oval)ના એક સ્ટૅન્ડ (Stand)માં ભૂતપૂર્વ સુકાની અને તાજેતરમાં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર રોહિત શર્માનું આગમન થતાં વાતાવરણ વધુ ખુશનુમા થઈ ગયું હતું.
પહેલી જ વાર ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ-શ્રેણી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળ રમાઈ રહી છે. સિરીઝના વિજેતા કૅપ્ટનને પટૌડી મેડલ અપાશે. એ અવસર પહેલાં જ ઓવલમાં આવી ગયેલા રોહિતે ઓવલ સ્ટેડિયમની બહાર સિક્યૉરિટી ચેક-ઇન કરાવ્યું, સલામતી રક્ષકને ટિકિટ બતાવી અને પછી અંદર આવીને વીઆઇપી સ્ટૅન્ડમાં ગોઠવાઈ ગયો ત્યાં સુધી તેના પર કૅમેરા હતો અને સોશિયલ મીડિયામાં તેનો વીડિયો તેમ જ તસવીરો વાઇરલ થયા છે.
આ પણ વાંચો: પેસ બોલર આકાશ દીપને ઇંગ્લૅન્ડના કોચે કેમ ચેતવણી આપી? પૉન્ટિંગ કેમ મારવાની વાતો કરે છે?
2021માં રોહિતની મૅચ-વિનિંગ સેન્ચુરી
બે આઇસીસી ટ્રોફી જીતી ચૂકેલા ` હિટમૅન’ રોહિત શર્માએ ઓવલના મેદાન પર સપ્ટેમ્બર, 2021માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટના બીજા દાવમાં બ્રિટિશ ટીમને જોરદાર લડત આપી હતી. તેણે ત્યારે 353 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 256 બૉલમાં એક સિક્સર અને 14 ફોરની મદદથી 127 રન કર્યા હતા. એ જ દાવમાં ચેતેશ્વર પુજારાએ 201 મિનિટની મૅરથન ઇનિંગ્સમાં 61 રન અને શાર્દુલ ઠાકુરે 119 બૉલમાં 60 રન તેમ જ રિષભ પંતે 167 મિનિટમાં 50 રન, કે. એલ. રાહુલે 158 મિનિટમાં 46 રન, કૅપ્ટન વિરાટ કોહલીએ 151 મિનિટમાં 44 રન અને રવીન્દ્ર જાડેજાએ 100 મિનિટમાં 17 રન કર્યા હતા. ઉમેશ યાદવ (પચીસ રન) તેમ જ જસપ્રીત બુમરાહ (24 રન) પણ એ ઇનિંગ્સમાં સારું રમ્યા હતા અને ભારતને 466 રન કરીને ઇંગ્લૅન્ડને જીતવા 368 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઇંગ્લૅન્ડ 210 રનમાં ઑલઆઉટ થઈ જતાં ભારતનો 157 રનથી વિજય થયો હતો અને રોહિત શર્માને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.
આ પણ વાંચો: ઓવલ ટેસ્ટ ભારે રસાકસીના તબક્કામાં…
ભારતીય ટીમનો જુસ્સો બુલંદ થયો
રોહિત શર્માના ઓવલના સ્ટેડિયમમાં આગમનથી ભારતીય ટીમનો જુસ્સો બુલંદ થઈ ગયો છે. ભારતે સિરીઝને 2-2ની બરાબરી સાથે પૂરી કરવા આ ટેસ્ટ જીતવી જ પડશે અને યુવા ટીમના ખેલાડીઓને રોહિત શર્માની બે દિવસમાં જે ટિપ્સ મળશે એનાથી તેમને ઘણો ફાયદો થશે.