વિરાટની સાથે રોહિતે પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી લીધી નિવૃત્તિ
બ્રિજટાઉન: ભારતે શનિવારે ટી-20 વર્લ્ડ કપની દિલધડક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને આ ટાઈટલ બીજી વાર હાંસલ કરી લીધું ત્યારબાદની વિરાટ કોહલીની સાથે કેપ્ટન રોહિત શર્માએ પણ ટી-20 ઇન્ટરનેશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. રોહિતે સ્પષ્ટતા કરી હતી કે તે વન-ડે અને ટેસ્ટમાં તેમ જ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે.
ભારતના ચેમ્પિયન કેપ્ટન રોહિતે જાહેરાત વખતે કહ્યું, ‘આ મારી છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મૅચ હતી. આ ફોર્મેટને ગુડબાય કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ ન હોઈ શકે. મેં આ ફોર્મેટથી જ ભારત વતી મારી કરીઅર શરૂ કરી હતી અને એની પ્રત્યેક પળ મેં ખૂબ માણી.’
રોહિતે એવું પણ કહ્યું કે ‘મારે આ ફોર્મેટનો વર્લ્ડ કપ ગમે એમ કરીને જીતવો જ હતો અને એ ઈચ્છા પૂરી થઈ. હું અત્યારે ખૂબ ભાવૂક સ્થિતિમાં હોવાથી વધુ કંઈ કહી શકવાની હાલતમાં નથી, પણ એટલું જરૂર કહીશ કે છેવટે અમે સર્વોચ્ચ ટાઇટલ જીતવામાં સફળ થયા એ બદલ મારામાં અત્યારે ખુશી સમાતી નથી.’
ટી-20 ઇન્ટરનેશનલ્સમાં રોહિતના 4,231 રન વિશ્વના તમામ બેટર્સમાં હાઈએસ્ટ છે. તેના પછી બીજા ક્રમે વિરાટના 4,188 રન છે અને તેણે પણ શનિવારે ફાઇનલના યાદગાર વિજય બાદ આ ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું.
બાબર આઝમ 4,145 રન સાથે ત્રીજા નંબરે છે.