હિટમૅન રોહિતની લેટેસ્ટ રેકોર્ડ બુક: 200 સિક્સર ફટકારનાર વિશ્વનો પહેલો ખેલાડી
મિચલ સ્ટાર્કની ‘આટલી ધુલાઈ' અગાઉ કોઈએ નહોતી કરી

ગ્રોઝ આઈલેટ: હિટમૅન તરીકે જાણીતા રોહિત શર્મા (92 રન, 41 બૉલ, 8 સિક્સર, 7 ફોર)એ સોમવારે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની યાદગાર મૅચ-વિનિંગ ઇનિંગ્સમાં અનેક રેકોર્ડ રચી દીધા હતા અને ઘણી સિદ્ધિઓ પણ મેળવી હતી.
આ રહી રોહિત શર્માની નવી રેકોર્ડ બુક:
(1) રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલ્સમાં 200 સિક્સર ફટકારનાર પહેલો જ ખેલાડી બન્યો છે. તેના નામે અત્યારે 203 છગ્ગા છે. ટી-20 ઇન્ટરનેશનલ્સમાં 150-પ્લસ સિક્સર એકમાત્ર માર્ટિન ગપ્ટીલના નામે છે. તેના નામે કુલ 173 સિક્સર છે.
(2) રોહિતે ટી-20 ઇન્ટરનેશનલ્સમાં સૌથી વધુ રન બનાવવાનો બાબર આઝમનો કુલ 4145 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિતના નામે 4165 રન છે.
(3) આ વખતના ટી-20 વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી હવે રોહિતના નામે છે. સોમવારે ઓસ્ટ્રેલિયા સામે તેણે 19 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા.
(4) ટી-20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારનાર કેપ્ટનોમાં હવે રોહિત શર્માનું નામ 19 બૉલના ફિફ્ટી સાથે મોખરે છે.
આ પણ વાંચો : રોહિતે કર્યા હાર્દિકના ભરપેટ વખાણ, હાર્દિકે પણ કહ્યું, ‘અમે બહુ સારા ટીમ-વર્કથી જીત્યા’
(5) ટી-20 વર્લ્ડ કપની એક ઈનિંગ્સમાં સૌથી વધુ આઠ સિક્સર ફટકારવાનો ભારતીય રેકોર્ડ રોહિતે સોમવારે નોંધાવ્યો. તેણે યુવરાજ સિંહનો સાત સિક્સરનો વિક્રમ તોડ્યો હતો. 2007ના વર્લ્ડ કપમાં યુવીએ ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાની સાથે આખી ઇનિંગ્સમાં કુલ સાત સિક્સર ફટકારી હતી.
(6) રોહિતે સોમવારે 19 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ઇન્ટરનેશનલમાં હવે આ સૌથી ઝડપી હાફ સેન્ચુરી છે.
(7) રોહિતે 19 બૉલમાં 50 રન બનાવીને સૌથી ઝડપી હાફ સેન્ચુરીનો પોતાનો રેકોર્ડ વટાવ્યો છે. તેણે 2016માં વેસ્ટ ઇન્ડીઝ સામે 22 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.
આ પણ વાંચો : Rohit Sharma: રોહિત શર્માએ આ બાબતે બાબર આઝમને પાછળ છોડ્યો
(8) સોમવારે ઓસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કની એક ઓવરમાં 29 રન બન્યા હતા જેમાંથી 28 રન રોહિતે ચાર સિક્સર, એક ફોર સહિત બનાવ્યા હતા. આઈપીએલના સૌથી મોંઘા (24.75 કરોડ રૂપિયાની કિંમતના ખેલાડી) સ્ટાર્કની આખી આંતરરાષ્ટ્રીય કરિયરમાં આ સૌથી ખર્ચાળ ઓવર હતી. સ્ટાર્કની બીજા નંબરની સૌથી ખર્ચાળ ઓવર આઈપીએલમાં છે. ત્રણ મહિના પહેલા કલકત્તાના આ સ્ટારની હૈદરાબાદ સામેની એક ઓવરમાં 26 રન બન્યા હતા.