રોહિત-કોહલી વિશે સોશ્યલ મીડિયામાં ધમાલ મચ્યા પછી આઇસીસીએ આ ખુલાસો કરવો પડ્યો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રોહિત-કોહલી વિશે સોશ્યલ મીડિયામાં ધમાલ મચ્યા પછી આઇસીસીએ આ ખુલાસો કરવો પડ્યો!

દુબઈઃ વર્તમાન ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) લાંબા વેકેશન દરમ્યાન પરિવાર સાથે મોજ માણી રહ્યા છે ત્યાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)થી અજાણતાં તેમને તેમ જ તેમના કરોડો ચાહકોને આંચકો આપતી એક ભૂલ બુધવારે થઈ ગઈ જેનો સુધારો ક્રિકેટ જગતની આ સર્વોચ્ચ સંસ્થાએ થોડી જ વારમાં કરી લેવો પડ્યો હતો.

આઇસીસીના એક લિસ્ટમાંથી રોહિત-કોહલીના નામ ટૉપ-ફાઇવમાં હોવા છતાં સાવ જ ગાયબ થઈ ગયા એટલે સોશ્યલ મીડિયામાં ઊહાપોહ મચી ગયો.

આઇસીસીએ બુધવારે વન-ડે બૅટિંગના નવા જે રૅન્કિંગ બહાર પાડ્યા એમાં હિટમૅન અને કિંગ કોહલીના નામ જ ગુમ હતા! જોકે આઇસીસીએ પોતાનાથી ભૂલ થઈ છે એવી સ્પષ્ટતા કરી દીધી. રોહિત-કોહલીના નામ ભૂલથી લિસ્ટમાંથી અદૃશ્ય થઈ ગયા અથવા તો કોઈ ટેક્નિકલ ક્ષતિને લીધે આવું બન્યું એ મુદ્દાને બાજુ પર રાખીએ તો કરોડો ક્રિકેટપ્રેમીઓને આંચકો એ લાગ્યો કે બન્ને લેજન્ડે વન-ડેમાંથી પણ નિવૃત્ત થવાનો હજી કોઈ સંકેત પણ નથી આપ્યો તો આ રીતે તેમના નામ અદૃશ્ય થાય જ કેમ?

આ પણ વાંચો: બીસીસીઆઇએ ` ગંભીર ઈજામાં ખેલાડીના રિપ્લેસમેન્ટ’નો નિયમ અપનાવ્યોઃ હવે આઇસીસી અનુકરણ કરશે?

ટી-20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટમાંથી રિટાયર થઈ ચૂકેલા રોહિત તથા કોહલીના નામ અગાઉના વન-ડે રૅન્કિંગની યાદીમાં અનુક્રમે બીજા તથા ચોથા નંબરે હતા, પરંતુ નવા લિસ્ટ (List)માંથી તેમનો સાવ એકડો કાઢી નાખવામાં આવ્યો હતો. ટોચના 100 બેટ્સમેનમાં પણ તેમના નામ નથી એવું જણાવાતાં સોશ્યલ મીડિયામાં બન્ને મહારથીઓના ચાહકો આઇસીસી પર તૂટી પડ્યા હતા. તેમની નવાઈનો પાર નહોતો. જોકે આઇસીસીના એક પ્રવક્તાએ સુધારિત રૅન્કિંગમાં રોહિત-કોહલીના નામની બાદબાકી થઈ હોવાની ભૂલ સ્વીકારી હોવાનું એક જાણીતી વેબસાઇટ પર જણાવાયું હતું. એટલું જ નહીં, બન્નેના નામ ફરી તેમના અસલ સ્થાને (રોહિત-બીજા નંબરે અને કોહલી-ચોથા નંબરે) બતાવી દેવામાં આવ્યા હતા.

રોહિત અને કોહલી છેલ્લી વન-ડે ફેબ્રુઆરી, 2025માં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા હતા. એમાં રોહિતના ફાઇનલ-વિનિંગ પર્ફોર્મન્સની મદદથી ભારતે એક દાયકા બાદ ફરી ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. એ સ્પર્ધાના લીગ-તબક્કામાં કોહલી પણ સારું રમ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button