રોહિતે કોહલીનો રેકૉર્ડ તોડ્યો, વિરાટે સચિનનો વિક્રમ બ્રેક કર્યો

Focus…
Keywords…India, Australia, Rohit Sharma, Virat Kohli, Sydney
બન્ને દિગ્ગજોએ ઑસ્ટ્રેલિયા સામે એક મૅચ જિતાડીને અનેક નવી સિદ્ધિઓ મેળવી
સિડનીઃ ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો રોહિત શર્મા (121 અણનમ, 125 બૉલ, ત્રણ સિક્સર, તેર ફોર) અને વિરાટ કોહલી (74 અણનમ, 81 બૉલ, સાત ફોર)એ 170 બૉલમાં 168 રનની અતૂટ ભાગીદારીથી ભારતને શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન-ડેમાં શાનથી વિજય અપાવીને 0-3નો વાઇટવૉશ રોક્યો, એ ઉપરાંત તેમણે વ્યક્તિગત સિદ્ધિઓ પણ મેળવી. રોહિતે કોહલીનો એક રેકૉર્ડ તોડ્યો તો બીજા એક વિક્રમમાં વિરાટે સચિન તેન્ડુલકરને ઓળંગી લીધો.
સિડનીમાં ભારતે નવ વર્ષે વન-ડેમાં ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો. અગાઉનો વિજય 2016માં મળ્યો હતો.
રોહિત-વિરાટના સિલસિલાબંધ વિક્રમો
(1) રોહિત શર્મા (Rohit sharma)એ ઑસ્ટ્રેલિયાની ધરતી પર છઠ્ઠી વન-ડે સદી ફટકારી. આ ક્રિકેટપ્રેમી દેશમાં અત્યાર સુધીમાં કોઈ પણ વિદેશી ખેલાડી છ વન-ડે સદી નહોતો ફટકારી શક્યો, પણ એ કામ રોહિતે શનિવારે કરી દેખાડ્યું. તેણે ઑસ્ટ્રેલિયામાં પાંચ-પાંચ સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી (Virat kohli) અને કુમાર સંગકારાનો રેકૉર્ડ તોડી નાખ્યો. રોહિતની છમાંથી પાંચ સદી ઑસ્ટ્રેલિયા સામે થઈ છે. બીજા કોઈ પણ વિદેશી બૅટ્સમૅને ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે ત્રણથી વધુ સેન્ચુરી નથી ફટકારી.
(2) કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલીના 70 ફિફ્ટી-પ્લસ સ્કોર્સ લક્ષ્યાંક ચેઝ કરતી વખતે નોંધાયા હતા અને એ વિશ્વવિક્રમ છે. તેણે આ રેકૉર્ડ-બુકમાં સચિન તેન્ડુલકરના 69 ફિફ્ટી-પ્લસ સ્કોર્સની સિદ્ધિ ઓળંગી લીધી છે.
(3) વિરાટના વન-ડેમાં કુલ 14,255 રન થયા છે. તેણે કુમાર સંગકારા (14,234 રન)ને હટાવીને વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ રન કરનારાઓમાં બીજું સ્થાન મેળવી લીધું છે. હવે માત્ર સચિન તેન્ડુલકર (18,426 રન) વિરાટથી આગળ છે. જોકે સચિન સુધી પહોંચવું વિરાટ માટે અસંભવ છે.
(4) રોહિત હવે વન-ડેમાં ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ નવ સેન્ચુરી ફટકારનાર સચિનની બરાબરીમાં થઈ ગયો છે. વન-ડેમાં કોઈ એક દેશ સામે સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો વિશ્વવિક્રમ કોહલીના નામે છે. તેણે શ્રીલંકા સામે 10 સેન્ચુરી કરી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે કોહલીની નવ સેન્ચુરી છે.
(5) રોહિતે શનિવારે 33મી વન-ડે સેન્ચુરી ફટકારી. જોકે એમાંથી 17 સેન્ચુરી ટાર્ગેટ ચેઝ કરવામાં થઈ છે અને એ સાથે તેણે સચિનની બરાબરી કરી લીધી છે. જોકે સચિન-રોહિત 17-17 સદીના આ રેકૉર્ડની બાબતમાં બીજા નંબરે છે. કોહલીએ 28 સેન્ચુરી લક્ષ્યાંક ચેઝ કરતી વખતે ફટકારી છે જે વર્લ્ડ રેકૉર્ડ છે.
(6) ભારત વતી સૌથી મોટી ઉંમરે સદી ફટકારનારા બૅટ્સમેનોમાં સચિન તેન્ડુલકરનું નામ મોખરે છે. તેણે બાંગ્લાદેશ સામે 2012માં સદી ફટકારી ત્યારે તેની ઉંમર 38 વર્ષ અને 327 દિવસ હતી. રોહિતે શનિવારે વન-ડેની 33મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 50મી સેન્ચુરી ફટકારી હતી અને તેની ઉંમર 38 વર્ષ અને 178 દિવસ છે. આવી સદીની ભારતની રેકૉર્ડ-બુકમાં સચિન પછી બીજા ક્રમે રોહિત છે. જોકે રોહિત ઑસ્ટ્રેલિયામાં વન-ડે સદી ફટકારનાર બીજા નંબરનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તેની આગળ એકમાત્ર ઇંગ્લૅન્ડના જ્યૉફ બૉયકૉટ છે. તેમણે 1979માં ઑસ્ટ્રેલિયામાં સદી ફટકારી હતી ત્યારે તેમની ઉંમર 39 વર્ષ અને 51 દિવસ હતી.
(7) વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 150-પ્લસ રનની ભાગીદારી કરનારાઓમાં અત્યાર સુધી સચિન-ગાંગુલી મોખરે હતા, કારણકે તેમની વચ્ચે આવી 12 ભાગીદારી થઈ હતી. જોકે હવે રોહિત-વિરાટ 150-પ્લસની 12 પાર્ટનરશિપ સાથે તેમની બરાબરીમાં થઈ ગયા છે.
(8) વન-ડે ક્રિકેટમાં રોહિત-વિરાટે જોડીમાં ઑસ્ટ્રેલિયા સામે કુલ 1,454 રન કર્યા છે. કોઈ એક દેશ સામે જોડીમાં સૌથી વધુ રન કરનારાઓમાં તેમની આગળ એકમાત્ર જોડી છે. વેસ્ટ ઇન્ડિઝના ડેસ્મંડ હેઇન્સ અને રિચી રિચર્ડસન છે. તેમણે જોડીમાં પાકિસ્તાન સામે 1,484 રન કર્યા હતા.



