રોહિત અને જય શાહ વર્લ્ડ કપની ટ્રોફી સાથે પહોંચ્યા સિદ્ધિવિનાયકના મંદિરે
મુંબઈ: ભારતના કેટલાક ક્રિકેટરો (ખાસ કરીને ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનો) બુધવારની સીએટ અવૉર્ડ નાઇટ બદલ મુંબઈ આવ્યા છે અને એમાં ખાસ કરીને કૅપ્ટન રોહિત શર્મા હમણાં ટૉક ઑફ ધ ટાઉન છે. સ્વાભાવિક છે કે હજી દોઢ મહિના પહેલાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બની હોવાથી સૂત્રધાર રોહિત ચર્ચામાં રહેવાનો જ. એટલું જ નહીં, બીજી એક ખાસ ઘટનાને લીધે પણ રોહિત સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. માત્ર તે નહીં, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પણ મીડિયામાં ચમક્યા છે.
વાત એવી છે કે જય શાહ અને રોહિત શર્મા વર્લ્ડ કપની ટ્રોફી સાથે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા અને ત્યાં અનેક ભાવિકોની સાથે મળીને ગણપતિ બપ્પાના દર્શન કર્યા હતા.
ભારત ટી-20નું વિશ્ર્વ વિજેતા બન્યું એ બદલ બેહદ ખુશ રોહિત અને જય શાહ મુંબઈમાં આવ્યા હોવાથી સિદ્ધિ વિનાયકના મંદિરે ખાસ સમય નક્કી કરીને આવ્યા હતા. તેમણે એ નિમિત્તે ખાસ પૂજા કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.
જૂનના અંતમાં ભારત વિશ્ર્વવિજેતા બન્યું ત્યાર બાદ ચાર-પાંચ દિવસ પછી ચૅમ્પિયન ટીમ ભારત પાછી આવી હતી ત્યારે મુંબઈમાં મરીન ડ્રાઇવ પર લાખો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઓપન બસની પરેડ બાદ ખેલાડીઓ વાનખેડે સ્ટેડિયમમાં ગયા હતા જ્યાં હજારો પ્રેક્ષકોએ તેમનો સત્કાર કર્યો હતો.
ભારતે વિશ્ર્વકપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવ્યું હતું. ટી-20માં ભારતની આ બીજી ટ્રોફી છે. 2007ના પ્રથમ ટી-20 વિશ્ર્વ કપમાં ભારતે એમએસ ધોનીના સુકાનમાં ટ્રોફી જીતી લીધી હતી.
રોહિત શર્મા હવે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયર થઈ ગયો છે.