રોહિત અને દ્રવિડે વર્લ્ડ કપ હાર પર બીસીસીઆઇ સાથે કરી ચર્ચા, હારનું જણાવ્યું કારણ: રિપોર્ટ
નવી દિલ્હી: બીસીસીઆઇના અધિકારીઓએ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારના ૧૧ દિવસ બાદ દિલ્હીમાં એક બેઠક યોજી હતી. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને કેપ્ટન રોહિત શર્મા વીડિયો કોલ મારફતે બેઠકમાં સામેલ થયો હતો. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો. રોહિત શર્માએ હાલમાં વન-ડે અને ટી-૨૦માંથી બ્રેક લીધો છે. તે લંડનમાં રજાઓ માણી રહ્યો છે. આ બેઠકમાં વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની હાર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ટીમ સિલેક્શન અને ભવિષ્ય માટે કેપ્ટન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ જ બેઠકમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે પણ ચર્ચા થઈ હતી.
ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ચેમ્પિયન બનવાની સૌથી પ્રબળ દાવેદાર હતી. ભારતે શાનદાર શરૂઆત કરી અને સતત ૧૦ મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત આઠ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી ગયું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને ટ્રેઝરર આશિષ શેલાર બેઠકમાં સામેલ થયા હતા. બોર્ડના અધિકારીઓએ કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિતને વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હાર અંગે સવાલ કર્યા હતા. રાહુલ દ્રવિડનો કાર્યકાળ ૧૯ નવેમ્બરે સમાપ્ત થયો હતો, પરંતુ તેને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યો છે.
દ્રવિડે ભારતની હાર માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને જવાબદાર ગણાવી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું હતું કે પીચ એટલી ટર્ન આપી શકી નથી જેટલો ભારતીય ટીમ મેનેજમેન્ટની અપેક્ષા હતી. આ કારણે ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયાને લક્ષ્યનો પીછો કરતા રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
ફાઈનલ માટે જે પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એ જ પીચ હતી જેનો ઉપયોગ પાકિસ્તાન સામેની લીગ મેચમાં થયો હતો. ભારતે તે મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ એક મોટું કારણ ટોસ હતું. તે મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી અને ફાઇનલમાં ભારતની જેમ મધ્ય ઓવરોમાં ઝડપથી રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. કેપ્ટન રોહિતની ઝડપી શરૂઆત છતાં, ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલ મધ્ય ઓવરોમાં ઝડપી ગતિએ રન બનાવી શક્યા ન હતા.
તેની પાછળ બે મુખ્ય કારણો હતા. ધીમી પિચ અને ઓસ્ટ્રેલિયન બોલરોનું શાનદાર પ્રદર્શન. આ પીચ સ્થાનિક ક્યુરેટરની સલાહ પર પસંદ કરવામાં આવી હતી. આઈસીસીના કોઈ નિયમો વર્લ્ડ કપમાં નોકઆઉટ મેચો માટે નવી પીચો તૈયાર કરવાનું ફરજિયાત બનાવતા નથી. જો કે, સામાન્ય રીતે નવી પિચની ભલામણ કરવામાં આવે છે, પરંતુ આ વર્લ્ડ કપની તમામ નોકઆઉટ મેચો અગાઉ પણ ઉપયોગમાં લેવાતી પીચો પર રમાઈ હતી.