(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેન્નઇ સુપર કિંગ્સે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સને ૨૦ રનથી હરાવીને આ સીઝનમાં હરીફ ટીમના ગ્રાઉન્ડ પર વિજય મેળવવાનો સિલસિલો શરુ કર્યો હતો. વાનખેડેમાં શક્યત: છેલ્લી મૅચ રમેલા ધોનીએ ચેન્નઇની ઇનિંગ્સમાં રમવા મળેલા છેલ્લા ચાર બૉલમાં ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારેલી અને કુલ ૨૦ રન બનાવ્યા એ જ છેવટે મુંબઈને ભારે પડ્યા હતા.
મુંબઈની ટીમ ૨૦૭ રનના ટાર્ગેટ સામે છ વિકેટે ૧૮૬ રન બનાવી શકી હતી. ચૅન્નઈ પોઇન્ટસમાં ત્રીજે અને મુંબઈ આઠમે પહોંચ્યું છે.
મુંબઈ હાર્યું, પરંતુ હિટમેન રોહિત શર્મા (૧૦૫ અણનમ, ૬૩ બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) બેમિસાલ અને યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો. તેના બાદ તિલક વર્માના ૩૧ રન સૌથી વધુ હતા. એ ૩૧ રન તેણે ૨૦ બૉલમાં પાંચ ફોર સાથે બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક ચેન્નઇની બે વિકેટ લીધા બાદ ફક્ત બે રન બનાવી શક્યો હતો.
પથિરાના (૪-૦-૨૮-૪) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. મુસ્તફીઝૂર અને દેશપાંડેને એક એક વિકેટ મળી હતી. શાર્દુલ, જાડેજાને વિકેટ નહોતી મળી. છેલ્લી ચાર ઓવરમાં મુંબઈએ ૭૨ બનાવવાના હતા જે મુશ્કેલ હતા. જોકે રોહિત અને ટિમ ડેવિડ ક્રીઝમાં હતા એટલે સંભાવના લાગતી જ હતી. મુસ્તફિઝૂરના બે બૉલમાં ડેવિડે બે સિક્સર શક્યતા વધી ગઈ હતી.
જોકે ત્રીજા બૉલમાં ડેવિડ (પાંચ બોલમાં ૧૩ રન) બાઉન્ડરી લાઈન પાસે રાચિન રવીન્દ્રને ઊંચો કૅચ આપી બેઠો હતો. મુસ્તફિઝૂરની એ ઓવરમાં ૧૯ રન બન્યા હતા.
પછીની ઓવરમાં સ્લીન્ગ બોલિંગ એક્શનવાળો પથિરાના ત્રાટક્યો હતો. તેણે ડેન્જરમેન શેફર્ડ (૧)ને ક્લીન બોલ્ડ કર્યો હતો.
છેલ્લી બે ઓવરમાં મુંબઈએ ૪૭ રન બનાવવાના હતા જે સંભવ નહોતા, પરંતુ રોહિતની સેન્ચુરી શક્ય બની હતી.
રોહિત ૫૯ રને હતો ત્યારે દેશપાંડેએ તેનો કૅચ છોડ્યો અને સિક્સર ગઈ હતી. દેશપાંડે ડીપ સ્કવેર લેગ પર અસ્થિર પોઝિશનમાં કૅચ પકડવા ગયો, પણ નિષ્ફ્ળ રશ્યો અને બાઉન્ડરી લાઈન પરથી બૉલ સીધો બહાર જતો રહ્યો હતો.
સૂર્યકુમાર ફરી એક વાર વાનખેડેમાં ખાતું ખોલાવતા પહેલાં જ આઉટ થઈ ગયો હતો. શાર્દુલ ઠાકુરના સ્થાને બોલિંગ કરવા આવેલા પથિરાના પહેલાં જ બૉલમાં કિશન (૧૫ બૉલમાં ૨૩ રન)ને આઉટ કરી ચૂક્યો હતો.
સૂર્યા બેટિંગમાં આવ્યો અને બીજો બૉલ ડોટ રહ્યા બાદ સૂર્યા ત્રીજા બૉલમાં અપર કટ મારી હતી. મુસ્તફિઝૂરે બાઉન્ડરી લાઈનની લગોલગ બન્ને હાથે કૅચ પકડ્યો, પણ તેણે બૉલ ઉછાળ્યો, લાઈનની બહાર ગયો અને પળવારમાં પાછા અંદર આવીને ઉછાળેલો બૉલ ઝીલી લીધો હતો. સૂર્યાની વિકેટ પડી અને શ્રીલંકાના પથિરાના તથા બાંગ્લાદેશના મુસ્તફિઝુરે વિકેટ સેલિબ્રેટ કરી હતી.
મુંબઈના ૧૦ ઓવરમાં બે વિકેટે ૯૦ રન હતા. એ પહેલાં, ચેન્નઇએ ચાર વિકેટે ૨૦૬ રન બનાસવ્યા હતા. ચેન્નઇનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (૬૯ રન, ૪૦ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) તેની શ્રેષ્ઠમાં ગણી શકાય એવી ઇનિંગ્સ રમ્યો હતો.
૩૮મા રન પર તેને જીવતદાન મળ્યું હતું. મઢવાલના બૉલમાં મિડ વિકેટ પર રોહિતે તેનો કૅચ છોડ્યો હતો. ગાયકવાડ અને શિવમ દુબે વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. શિવમ દુબે (૬૬ અણનમ, ૩૮ બૉલ, બે સિક્સર, દસ ફોર)એ શાનદાર પર્ફોર્મ કર્યું હતું, પરંતુ વાનખેડેમાં શક્યત: છેલ્લી મૅચ રમનાર ધોની (૨૦ અણનમ, ચાર બૉલ, ત્રણ સિક્સર)એ ધમાલ મચાવી દીધી હતી. તેણે આવતાવેંત હાર્દિકની ૨૦મી ઓવરમાં ફટકાબાજી શરૂ કરીને ઉપરાઉપરી ત્રણ સિક્સર ફટકારી હતી. તેને માત્ર ચાર બૉલ રમવા મળ્યા હતા. હાર્દિકની એ ખર્ચાળ ઓવરમાં ૨૬ રન બન્યા હતા.
હાર્દિકને ૪૩ રનમાં બે વિકેટ મળી હતી. એક-એક વિકેટ ગોપાલ અને કોએટઝીને મળી હતી. મિડલની કેટલીક ઓવર અને ખાસ કરીને હાર્દિકની ૨૦મી ઓવર મુંબઈ માટે ખર્ચાળ નીવડી હતી. ૧૦મી ઓવર હાર્દિકે કરી હતી જેમાં ૧૫ રન બન્યા હતા. ૧૪મી ઓવર શેફર્ડને અપાઈ હતી જેમાં બાવીસ રન બન્યા અને મઢવાલની ૧૫મી ઓવરમાં ૧૭ રન બન્યા હતા.
મૂંઝાયેલા હાર્દિકે બોલિંગમાં અભૂતપૂર્વ ફેરફાર કર્યા હતા:
ઓવર નંબર ૧-નબી, ૨-કોએટઝી, ૩-નબી, ૪-બુમરાહ, ૫-કોએટઝી, ૬-મઢવાલ, ૭-નબી, ૮-ગોપાલ, ૯-બુમરાહ, ૧૦-હાર્દિક, ૧૧-શેફર્ડ, ૧૨-મઢવાલ, ૧૩-કોએટઝી, ૧૪-શેફર્ડ, ૧૫-મઢવાલ, ૧૬-હાર્દિક, ૧૭-બુમરાહ, ૧૮-કોએટઝી, ૧૯-બુમરાહ, ૨૦-હાર્દિક.
મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરાયો, પણ ચેન્નઇએ થીકશાનાના સ્થાને પથિરાનાને ટીમમાં સમાવ્યો હતો.
Taboola Feed