વન-ડે અને ટેસ્ટમાં રોહિત જ કૅપ્ટન, જય શાહને હવે તેની પાસેથી આ બે મોટી ટ્રોફીની અપેક્ષા છે

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ વિજેતા સુકાની રોહિત શર્મા વન-ડે તથા ટેસ્ટ ફૉર્મેટમાં ભારતીય ટીમની આગેવાની સંભાળવાનું ચાલુ રાખશે, એવું બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે રવિવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું અને એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતા વર્ષે રોહિતની કૅપ્ટન્સીમાં ભારત ચૅમ્પિયન્સ ટ્રોફી (CT) તેમ જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)નું ટાઇટલ પણ જીતી લેશે.
37 વર્ષનો રોહિત આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર કપિલ દેવ અને એમએસ ધોની પછીનો ત્રીજો ભારતીય કૅપ્ટન છે. રોહિતે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. ગયા શનિવારે બાર્બેડોઝમાં ટી-20 વર્લ્ડ કપ બાદ રોહિત ઉપરાંત વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
જય શાહે વીડિયો મૅસેજમાં જણાવ્યું છે કે ‘હવે પછી ચૅમ્પિયન્સ ટ્રોફી અને ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ જેવી બે મોટી આઇસીસી ઇવેન્ટ યોજાવાની છે. મને રોહિત શર્મામાં પૂરો વિશ્ર્વાસ છે કે તેના સુકાનમાં ભારત આ બન્ને મેગા ઇવેન્ટની ટ્રોફી પણ જીતી લેશે.’
ચૅમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આમંત્રણ છતાં ભારત પોતાની ટીમને પાકિસ્તાન મોકલશે એ હજી નક્કી નથી. 2017માં બ્રિટનમાં આ સ્પર્ધા યોજાયા પછી આઠ વર્ષે ફરી એનું આયોજન આઇસીસી દ્વારા કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો : Happy birthday Dhoni: કેક કટિંગ પછી પત્ની સાક્ષી કેમ પગે પડી ગઈ
જય શાહે આ વીડિયો સંદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે વન-ડે અને ટેસ્ટમાં રોહિત જ કૅપ્ટન્સી સંભાળશે. ટી-20 ટીમની કૅપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપાવાની પાકી સંભાવના છે.
ગયા વર્ષે રોહિતના સુકાનમાં જ ભારતીય ટીમ ડબ્લ્યૂટીસીની અને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી.
જય શાહે ટી-20 વર્લ્ડ કપની સિદ્ધિ વિશે કહ્યું, ‘હું આ જીત હેડ-કોચ રાહુલ દ્રવિડને તેમ જ રોહિત, વિરાટ અને રવીન્દ્ર જાડેજાને અર્પણ કરવા માગું છું. છેલ્લા એક વર્ષમાં આપણી આ ત્રીજી મોટી ફાઇનલ હતી. ડબ્લ્યૂટીસી અને વન-ડે વિશ્ર્વ કપની ફાઇનલ હારી ગયા પછી મેં રાજકોટમાં કહ્યું હતું કે આપણે જૂન, 2024માં અનેકના દિલ તેમ જ વર્લ્ડ કપ જીતી લઈશું અને આપણો તિરંગો લહેરાવીશું. ખરેખર એવું જ બન્યું, આપણા કૅપ્ટને ટી-20ની સર્વોચ્ચ ટ્રોફી પર ભારતીય ધ્વજને સન્માન અપાવ્યું છે.’
રોહિત, વિરાટ અને જાડેજા ઑગસ્ટ મહિનામાં શ્રીલંકા સામેની વન-ડે સિરીઝથી ટીમ ઇન્ડિયામાં કમબૅક કરશે.
ઑગસ્ટમાં ભારતીય ટીમ શ્રીલંકામાં ત્રણ વન-ડે તેમ જ ત્યાર બાદ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે ત્રણ વન-ડે રમશે અને ત્યાર પછી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમાશે.