સ્પોર્ટસ

વડોદરામાં રોહિત અને વિરાટનું ‘આઉટ ઑફ બૉક્સ’ સન્માન શા માટે કરાયું?

વડોદરા: ભારતે રવિવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે જેમાં ચાર વિકેટે વિજય મેળવ્યો એ સિરીઝની પ્રથમ વન-ડેની શરૂઆત પહેલાં બરોડા ક્રિકેટ અસોસિએશન (બીસીએ) દ્વારા ભારતીય ટીમના બે દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)નું જે અનોખી ઢબે સન્માન કરવામાં આવ્યું એની ક્રિકેટ જગતમાં ખૂબ ચર્ચા છે.

આ યુનિક સ્ટાઇલનું બહુમાન (FELICITATION) આઇસીસી ચેરમૅન જય શાહ, બીસીએના પ્રમુખ પ્રણવ અમીન અને બીસીસીઆઈના પ્રમુખ મિથુન મન્હાસ સહિતના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. રોહિત અને વિરાટની સિદ્ધિઓને લક્ષમાં રાખીને અને તેમને બિરદાવવાના હેતુથી આ યાદગાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રોહિત અને વિરાટને તેમના કટઆઉટવાળા કબાટ જેવા બૉક્સમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમને બહાર બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ ગર્વભેર અને ચહેરા પર સ્મિત સાથે આવ્યા હતા અને પગથિયાં ઊતર્યા હતા.

અનોખા સન્માન પાછળના કેટલાક કારણો

આ ‘આઉટ ઑફ બૉક્સ ‘ સન્માન કરવા પાછળ યજમાનોના કેટલાક ખાસ કારણો હોવાનું મનાય છે. રોહિત અને વિરાટ ભારતના બે દિગ્ગજ ક્રિકેટર છે. હાલમાં વન-ડેના બેટ્સમેનોમાં તેઓ અનુક્રમે વર્લ્ડ નંબર વન અને વર્લ્ડ નંબર ટૂ છે. આધુનિક ક્રિકેટમાં તેમની ગણના બે સર્વશ્રેષ્ઠ બૅટ્સમેન તરીકે થાય છે. તેઓ ટી-20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે વન-ડેમાંથી પણ ગમે ત્યારે રિટાયર થઇ શકે. વડોદરાના કોટમ્બી સ્ટેડિયમને તાજેતરમાં જ બીસીસીઆઈની માન્યતા મળી છે અને સ્થાનિક ક્રિકેટ સત્તાધીશોને શંકા હતી કે રોહિત અને વિરાટ કદાચ છેલ્લી વાર વડોદરામાં રમવા આવ્યા છે અને હવે પછી કદાચ ન પણ આવે. આ બધા કારણોસર તેમનું શાનદાર સન્માન કરવામાં આવ્યું.

આપણ વાંચો:  ગુજરાત જાયન્સની વિક્રમો સાથે જીત, સૉફી ડિવાઈને પોતાના જ રેકોર્ડ્સની બરાબરી કરી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button