‘ટેનિસ ફૅન’ રોજર ફેડરરે બે હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો…

ન્યૂ યૉર્ક: 20 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સ્વિટ્ઝરલૅન્ડનો ટેનિસ સમ્રાટ રોજર ફેડરર મંગળવારે અહીં આર્થર ઍશ સ્ટેડિયમમાં ‘ટેનિસ ફૅન તરીકે’ યુએસ ઓપનની એક મૅચ જોવા આવ્યો હતો. જોકે તેને મુખ્ય મહેમાનની જેમ સન્માન આપવામાં આવ્યું હતું. ચાહકોએ તેને સ્ટૅન્ડિંગ ઑવેશન આપ્યું ત્યારે ફેડરરે બે હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું અને ફેમસ સ્માઇલ સાથે લોકોના દિલ જીતી લીધાં હતાં.
ફેડરરે રમવાનું બંધ કર્યું ત્યાર પછીની તેની આ પહેલી જ વિઝિટ હતી. તેના 20 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલમાં પાંચ યુએસ ઓપનના છે. તે અહીં 2004, 2005, 2006, 2007 અને 2008માં ચૅમ્પિયન બન્યો હતો. તેણે સતત પાંચ વર્ષમાં પાંચ ટાઇટલ જીત્યા ત્યાર બાદ એવી સિદ્ધિ બીજું કોઈ નથી મેળવી શક્યું.
તે સૌથી વધુ આઠ ટાઇટલ વિમ્બલ્ડનમાં જીત્યો હતો. તેની પાસે છ ટાઇટલ ઑસ્ટ્રેલિયન ઓપનના છે અને એક ટાઇટલ ફ્રેન્ચ ઓપનનું છે.
ફેડરરે અહીં મંગળવારે મહિલા વર્ગમાં અરીના સબાલેન્કા અને ઝેન્ગ ક્ધિવેન વચ્ચેની ક્વૉર્ટર ફાઇનલ જોઈ હતી જેમાં સબાલેન્કાએ 6-1, 6-2થી વિજય મેળવ્યો હતો.
સબાલેન્કા સેમિ ફાઇનલમાં નૅવારો સામે રમશે. નેવારોએ ક્વૉર્ટરમાં બડોસાને 6-2, 7-5થી હરાવી હતી.
મેન્સમાં એક ઑલ-અમેરિકન સેમિ ફાઇનલમાં ફ્રાન્સેસ ટિયાફો અને ટેલર ફ્રિટ્ઝ વચ્ચે રમાશે.