સ્પોર્ટસ

ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ થવો જ ન જોઈએ, હું હંમેશાં વિરોધી રહ્યો છુંઃ ગૌતમ ગંભીર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે બેંગલૂરુ શહેરમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ઐતિહાસિક ચૅમ્પિયનપદની વિક્ટરી-પરેડ સહિતની ઉજવણી વખતે બનેલા ધક્કામુક્કીના જીવલેણ બનાવ સંદર્ભમાં પૂછવામાં આવતાં કહ્યું હતું કે `હું ક્યારેય ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશન માટે રોડ-શૉ (Road Show) રાખવાની તરફેણમાં રહેતો જ નથી. આવી ઇવેન્ટ યોજવાની જરૂર જ શું છે?’

ભાજપના ભૂતપૂર્વ સંસદસભ્ય ગૌતમ ગંભીરે ઇંગ્લૅન્ડની ટૂર પર જવા રવાના થતાં પહેલાંની પત્રકાર પરિષદમાં એક જર્નલિસ્ટના બેંગલૂરુની વિક્ટરી-પરેડવાળી ઘટના વિશેના સવાલના જવાબમાં કહ્યું હતું કે `તમે મને ખૂબ મહત્ત્વનો સવાલ પૂછ્યો. મારે એનો જવાબ આપવો જ છે. હું આવા રોડ-શૉમાં માનતો જ નથી.’

આ પણ વાંચો: ગૌતમ ગંભીરને ધમકી આપવા બદલ ગુજરાતીની ધરપકડ, જાણો વિગત

ગંભીરના સુકાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ બે ટાઇટલ જીતી હતી. 2007ના સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચૅમ્પિયન બન્યું ત્યારે ગંભીર ભારતીય ટીમનો મુખ્ય હિસ્સો હતો. 2007ની એ સિદ્ધિ વખતે મુંબઈમાં ધોની ઍન્ડ કંપનીની વિક્ટરી-પરેડ કાઢવામાં આવી હતી. લાખો લોકોએ એ રોડ-શૉ જોયો હતો.

જોકે ગંભીરે પત્રકારોને ગુરુવારે કહ્યું, `2007ના વિશ્વ કપ વખતે પણ હું રોડ-શૉની વિરુદ્ધમાં હતો. મેં ત્યારે કહેલું કે રોડ-શૉ ન રાખવો જોઈએ. બુધવારની બેંગલૂરુની ઘટનાના મુદ્દે કહું તો જો રોડ-શૉ યોજવા માટેની પૂરતી તૈયારી જ જો ન હોય તો એવો શૉ યોજવો જ ન જોઈએ.’

આ પણ વાંચો: વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા ગૌતમ ગંભીરની પોસ્ટ વાયરલ; કહ્યું ‘સિંહની જેમ…’

ગંભીરે પોતાની કૅપ્ટન્સીમાં કેકેઆરે (KKR) બે ટાઇટલ જીતેલા ત્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આયોજિત સન્માન સમારોહમાં હાજરી આપી હતી, પણ ત્યારે રોડ-શૉ નહોતા રાખવામાં આવ્યા.

ગૌતમ ગંભીરે ગુરુવારે પત્રકારોને એવું પણ કહ્યું કે `સેલિબ્રેશન કરતાં લોકોના જીવ વધુ મહત્ત્વના છે એવું હું સતત કહેતો આવ્યો છું અને કહેતો રહીશ. ક્રિકેટપ્રેમીઓ તો ઉત્સાહિત થવાના જ. આયોજકે સમજવું જોઈએ. ભવિષ્યમાં આપણે આવા (બેંગલૂરુની ઘટના જેવા) રોડ-શૉ રાખવા જ ન જોઈએ. હા, સ્ટેડિયમમાં રાખી શકાય, પણ રોડ-શૉ કે રસ્તા પર વિક્ટરી-પરેડ તો નહીં જ. બીજી ખાસ વાત, દરેક નાગરિકે જવાબદાર બનવું જોઈએ. ફ્રૅન્ચાઇઝી હોય કે અન્ય કોઈ, દરેકે જવાબદાર બનવું જોઈએ, કારણકે દરેક વ્યક્તિનો જીવ ખૂબ મહત્ત્વનો કહેવાય.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button