રિઝવાને મૅક્ગ્રા-પરિવારની મહિલાઓ સાથે હાથ ન મિલાવ્યા
સિડની: પાકિસ્તાન તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામે સિડનીમાં જે ત્રીજી અને આખરી ટેસ્ટ પણ હારી ગયું એ પછીના મેદાન પરના જ ફંક્શનમાં ગ્લેન મૅક્ગ્રાના પરિવારે લાઇનબંધ ઊભા રહીને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવીને તેમને થોડો દિલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એમાંની એક ઘટના ઊડીને આંખે વળગે એવી હતી. સિડનીની આ પિન્ક ટેસ્ટ હતી જેનું આયોજન મૅક્ગ્રા ફાઉન્ડેશને બ્રેસ્ટ કૅન્સર વિશે જાગરૂકતા ફેલાવવાના હેતુથી કર્યું હતું. ગ્લેન મૅક્ગ્રાની પત્ની જેનનું 2008માં બ્રેસ્ટ કૅન્સરને કારણે અવસાન થયું હતું. તેની યાદમાં ગ્લેન મૅક્ગ્રાએ આ ફાઉન્ડેશન શરૂ કર્યું હતું અને ઘરઆંગણે યોજાતી વર્ષની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે પ્રેક્ષકો ગુલાબી ડ્રેસ પહેરીને આવતા હોય છે. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વીડિયો મુજબ શનિવારે મૅચ પૂરી થયા બાદ પાકિસ્તાનનો વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાન મૅક્ગ્રાના પરિવારની મહિલા સભ્યો સાથે હાથ મિલાવવાનું ટાળીને માત્ર બે હાથ જોડીને અભિવાદન કરતો જોવા મળ્યો હતો. પાકિસ્તાનના બધા ખેલાડીઓએ મહિલાઓ સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ રિઝવાને બે હાથ જોડીને તેમને રિસ્પેક્ટ આપ્યું હતું.