AUS vs PAK Test: રિઝવાનને આઉટ આપવા અંગે મતભેદ, PCB આ મામલો ICC સમક્ષ ઉઠાવશે

મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. ત્યાર બાદ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ અમ્પાયરિંગ અને ટેક્નોલોજીના ઉપયોગ સંબંધિત મુદ્દા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સે વિકેટ પાછળ કેચ પકડવાની અપીલ કર્યા પછી ઓન-ફીલ્ડ અમ્પાયરે રિઝવાનને આઉટ આપવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ડીઆરએસની મદદ લીધી હતી, જેમાં થર્ડ અમ્પાયરે નિર્ણયને પલટી રિઝવાનને આઉટ આપ્યો હતો.

પેટ કમિન્સે ફેંકેલો બોલ બોલ રિઝવાનના કાંડાની ઉપર હતો ત્યારે સ્નિકોમીટરે સ્પાઇક દર્શાવી હતી, જેને કારણે તેને આઉટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન ટીમે આ નિર્ણયથી નાખુશ હતો. સૂત્રએ જણાવ્યું કે પીસીબીના વડા ઝકા અશરફે ટીમ ડાયરેક્ટર મોહમ્મદ હફીઝ સાથે વાત કરી હતી, જેમણે તેમને મેલબોર્ન ટેસ્ટ દરમિયાન અમ્પાયરિંગ અને ટેક્નોલોજીના ઉપયોગ વિશે કેટલીક બાબતો જણાવી હતી. હવે પીસીબી આઈસીસી સમક્ષ આ મુદ્દા ઉઠાવવા માટે તૈયાર છે.
શુક્રવારે એમસીજીમાં રમાયેલી મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ડાયરેક્ટર હાફીઝ નારાજ જોવા મળ્યા હતા. તેમણે અયોગ્ય અમ્પાયરિંગ અને ટેકનિકને ઉજાગર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હાફિઝના મતે પાકિસ્તાનની ટીમ આ કારણોસર હારી ગઈ હતી.
હાફિઝે કહ્યું કે તેમણે રિઝવાન સાથે વાત કરી હતી અને તેને કહ્યું હતું કે બોલ તેના ગ્લોવ્ઝને સ્પર્શ્યો ન હતો અને મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટાવવા માટે નિર્ણાયક પુરાવાની જરૂર હતી.
હાફિઝે કહ્યું- જો તમે આખી મેચ જુઓ તો અમ્પાયરો દ્વારા ખૂબ જ અસંગત નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેટલીકવાર એવું લાગે છે કે વાસ્તવિક ક્રિકેટ કરતાં ટેકનિક પર વધુ ફોકસ છે. હું માનું છું કે આ એક એવી ફિલ્ડ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. હું રમતગમતમાં ટેક્નોલોજીની વિરુદ્ધ નથી, પરંતુ જો તે શંકા અને મૂંઝવણ ઉભી કરે છે, તો તે સ્વીકાર્ય નથી. સ્ટમ્પને અથડાતો બોલ હંમેશા આઉટ હોય છે. હું ક્યારેય સમજી નહીં શકું કે અમ્પાયર્સ કોલ શા માટે છે.