ઑલરાઉન્ડર રિશી ધવને સાડાઆઠ વર્ષ રાહ જોયા પછી છેક હવે નિવૃત્તિ લીધી
નવી દિલ્હીઃ 34 વર્ષની ઉંમરના રાઇટ-આર્મ મિડિયમ પેસ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર રિશી ધવને ભારતની મર્યાદિત ઓવરોની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, પરંતુ તેના રિટાયરમેન્ટને પગલે ચર્ચા એ થઈ રહી છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉમદા પર્ફોર્મ કરનાર ખેલાડીને કેમ દેશ વતી ફક્ત ચાર મૅચ રમવાનો મોકો મળ્યો? હકીકત એ છે કે ફરી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા રિશી ધવને સાડાઆઠ વર્ષ સુધી રાહ જોઈ અને ત્યાર પછી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કર્યું છે.
રિશી ધવન ભારત વતી ત્રણ વન-ડે અને એક ટી-20 રમ્યો હતો.
રિશી ભારત વતી છેલ્લે જૂન, 2016માં હરારેમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20માં રમ્યો હતો. આ તેની એકમાત્ર ટી-20 હતી અને એમાં ઓપનર ચામુ ચિભાભા (20 રન)ની વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વે એ મૅચ જીતી ગયું હતું.
રિશી ભારત વતી છેલ્લી વન-ડે જાન્યુઆરી, 2016માં રમ્યો હતો જેમાં તેણે જ્યોર્જ બેઇલી (છ રન)ની વિકેટ લીધી હતી. તે કરીઅરની ત્રણેય વન-ડે ઑસ્ટ્રેલિયા સામે રમ્યો હતો.
આ પણ વાંચો: ‘ભારતીય ટીમને ખરાબ પીચો પર રમવાની આદત…’ હરભજન સિંહે બુમરાહ અંગે પણ કહી મોટી વાત
2021-’22માં હિમાચલ પ્રદેશને સૌથી પહેલી વિજય હઝારે ટ્રોફી અપાવવામાં રિશી ધવનનું મોટું યોગદાન હતું.
આઇપીએલમાં 2013થી 2024 દરમ્યાન પંજાબ અને મુંબઈ વતી રમી ચૂકેલો રિશી ધવન વિજય હઝારે ટ્રોફીની એક જ સીઝનમાં ટૉપ-ફાઇવ બૅટર્સમાં તેમ જ ટૉપ-ફાઇવ બોલર્સમાં સ્થાન મેળવનાર પ્રથમ પ્લેયર છે. એ સીઝનમાં તેણે 458 રન બનાવ્યા હતા તેમ જ 17 વિકેટ લીધી હતી.
રિશીએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું, `હું ભારે મનથી ભારતની મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. જોકે મને કોઈ જ અફસોસ નથી. છેલ્લાં બે દાયકાથી આ રમત મારા જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે અને એણે મને અપાર ખુશીઓ અને અગણિત યાદો આપી છે.’
રિશી 23 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીની બાકીની સીઝનમાં રમશે.