
મૅન્ચેસ્ટરઃ વાઇસ-કૅપ્ટન રિષભ પંતે (Rishabh Pant) ગુરુવારે અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં ઇનિંગ્સની બીજી સિક્સર (sixer) ફટકારી એ સાથે તેણે ફાંકડી ફટકાબાજી માટે જગવિખ્યાત વીરેન્દર સેહવાગ (sehwag)ના ભારતીય રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીયોમાં હવે સેહવાગની જેમ પંતની પણ સૌથી વધુ 90 સિકસર છે.
પંત લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટમાં ડાબા હાથની આંગળીમાં થયેલી ઈજા ભૂલીને અહીં ચોથી ટેસ્ટમાં રમ્યો, પણ બુધવારે તેને બૉલ વાગતાં જમણા પગમાં ફ્રૅક્ચર (fracture) થયું હતું અને રિટાયર હર્ટ થયો હતો એમ છતાં તે (અંગૂઠો તૂટી જવા છતાં) ગુરુવારે ઇનિંગ્સ આગળ વધારવા પાછો બૅટિંગમાં આવ્યો ત્યારે પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું હતું.
પંતે લડાયક ઇનિંગ્સમાં બ્રિટિશ બોલર્સના એક પછી એક હુમલા જેવા બૉલનો હિંમતથી સામનો કરીને હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 75 બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી 54 રન કર્યા હતા. તે જોફ્રા આર્ચરના બૉલમાં ક્લીન બોલ્ડ થયા બાદ પાછો આવ્યો ત્યારે પણ પ્રેક્ષકોએ ઊભા થઈને આ યાદગાર ઇનિંગ્સ બદલ તેને સન્માન આપ્યું હતું.
ભારત વતી ટેસ્ટમાં કોની સૌથી વધુ સિક્સર
(1) રિષભ પંત, 82 ઇનિંગ્સમાં 90 સિક્સર
(2) વીરેન્દર સેહવાગ, 178 ઇનિંગ્સમાં 90 સિક્સર
(3) રોહિત શર્મા, 116 ઇનિંગ્સમાં 88 સિક્સર
(4) એમએસ ધોની, 144 ઇનિંગ્સમાં 78 સિક્સર
(5) રવીન્દ્ર જાડેજા, 125 ઇનિંગ્સમાં 74 સિક્સર
નોંધઃ સચિન તેન્ડુલકર (329 ઇનિંગ્સમાં 69 સિક્સર) છઠ્ઠા નંબરે છે.
આ પણ વાંચો…ભારતના પહેલા સાતમાંથી આ પાંચ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેન