પરાક્રમી પંતને લાખો સલામ...

પરાક્રમી પંતને લાખો સલામ…

મૅન્ચેસ્ટરઃ બૅટિંગમાં આક્રમક, સ્ટમ્પ્સની પાછળ સદા સાવચેત અને હરીફોને જોરદાર લડત આપવાની મક્કમતા ધરાવતો રિષભ પંત ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)ના મેદાન પર ગુરુવારે 54 રનના સાધારણ વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો, પરંતુ તેની આ હાફ સેન્ચુરી ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે અને કરોડો ક્રિકેટપ્રેમીઓ દાયકાઓ સુધી એ યાદ રાખશે. જેમ અનિલ કુંબલેએ મે, 2002માં વેસ્ટ ઇન્ડિઝના ઍન્ટિગા ટાપુના સેન્ટ જોન્સની ટેસ્ટ દરમ્યાન જડબામાં ફ્રૅક્ચર થયું હોવા છતાં ડ્રેસિંગ-રૂમમાં બેઠા રહેવાને બદલે અને સર્જરી માટે ભારત પાછા આવવાને બદલે ફરી મેદાન પર ઊતરીને એકધારી 14 ઓવર બોલિંગ કરી હતી અને એ ગંભીર ઈજા છતાં બ્રાયન લારાની વિકેટ લઈને સંકલ્પ શક્તિ તથા લડાયક શક્તિનો પુરાવો આપ્યો હતો એવું રિષભ પંતે ગુરુવારે મૅન્ચેસ્ટરમાં કર્યું હતું.

પંતને બુધવારે ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સના યૉર્કરમાં રિવર્સ સ્વીપ મારવા જતાં બૉલ જમણા પગમાં વાગ્યો હતો અને તેણે ત્યારે 37 રનના પોતાના સ્કોર પર બૅટિંગ છોડી દીધી હતી અને તેને ગૉલ્ફ કાર્ટમાં બેસાડીને પૅવિલિયનમાં પાછો લાવવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રૅક્ચર (fracture) થયું છે અને ડૉક્ટરે તેને પાંચથી છ અઠવાડિયા આરામ કરવા કહ્યું હોવા છતાં તે (ટીમની જરૂરિયાતને ધ્યાનમાં લઈને) ગુરુવારે પાછો બૅટિંગ કરવા આવ્યો હતો અને બીજા 17 રન કર્યા હતા. તે આ દાવમાં કુલ મળીને 154 મિનિટ સુધી ક્રીઝ પર હતો અને તેણે 75 બૉલમાં 54 રન કર્યા હતા.

PTI

પંતે મોકો મળ્યો ત્યારે ધીમે ધીમે દોડીને રન પણ બનાવ્યા હતા. એટલું જ નહીં, તેણે 18મી હાફ સેન્ચુરી પૂરી કરી હતી તેમ જ ટેસ્ટ ફૉર્મેટમાં 90મી સિક્સર ફટકારીને વીરેન્દર સેહવાગના ભારતીય વિક્રમની બરાબરી પણ કરી હતી.પંત બુધવારે 37 રનના સ્કોર પર રિટાયર હર્ટ થઈને પૅવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે હજારો પ્રેક્ષકોએ તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી. ગુરુવારે ભારતના 314 રનના સ્કોર પર છઠ્ઠી વિકેટના રૂપમાં શાર્દુલ ઠાકુરની વિકેટ પડી ત્યારે પંત બૅટિંગ કરવા માટે પાછો મેદાન પર ઊતર્યો ત્યારે હજારો પ્રેક્ષકોએ ઊભા થઈને તેનું સ્વાગત (welcome) કર્યું હતું.

બાહોશ પંતે બ્રિટિશ બોલર્સનો સમજદારી અને હિંમતથી સામનો કર્યો હતો અને લગભગ આઠ ઓવર સુધી વૉશિંગ્ટન સુંદરને સાથ આપ્યો હતો. પંત ભારતની 113મી ઓવરમાં કુલ 349 રનના સ્કોર પર નવમી વિકેટના રૂપમાં આઉટ થઈને પાછો આવી રહ્યો હતો ત્યારે પણ તેને પ્રેક્ષકોનું સ્ટૅન્ડિંગ ઑવેશન (Standing ovation) મળ્યું હતું.

ભારત માટે ગેમ ચૅન્જર તરીકે જાણીતો પંત ઑર્થોપેડિક પેશન્ટ માટે વપરાતા મૂન બૂટ પહેરીને ગુરુવારે સ્ટેડિયમમાં આવ્યો હતો.પંત આ સિરીઝની બહાર થઈ ગયો છે અને તેના સ્થાને તામિલનાડુના એન. જગદીશનને તાત્કાલિક ઇંગ્લૅન્ડ આવવા કહેવામાં આવ્યું છે. જોકે વર્તમાન ટેસ્ટમાં પંતના સ્થાને ધ્રુવ જુરેલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button